રાજકોટ શહેર અને જિલ્લાની આંગણવાડીઓના 37,338 બાળકોને ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે ગણવેશ આપવાનો કાર્યક્રમ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને હાજર ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે બાળકો એ ભગવાનનું રૂપ છે, બાળકોના ઉછેર અને અભ્યાસ માટે આંગણવાડીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
આ કાર્યક્રમનો ડીજીટલ માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ડીજીટલ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે આંગણવાડીઓના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સાથે સાથે પોષક આહાર પણ આપવાની કામગીરી ચલાવી રહી છે. તેમણે આંગણવાડીઓ તેમજ શાળા, કોલેજો ફરી ખૂલે તથા તંદુરસ્ત સમાજની સાથે ગુજરાત સુપોષિત બને એવી શુભકામના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકોનો યોગ્ય વિકાસ થાય તો જ તેમની એક અલગ ઓળખ બની શકે. આ પ્રસંગે પ્રોગ્રામ અધિકારી જીજ્ઞાશાબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન સરોજબેન મારડીયાએ કર્યું હતુ. આભારવિધિ બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે કરી હતી. આ પ્રસંગે મહિલા અને બાળ યુવા પ્રવૃતિના સમિતિના ચેરમેન સુનિતાબેન ચાવડા, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, પ્રાદેશિક નાયબ નિયામક અંકુશ વૈદ્ય સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકરો તથા બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજકોટ જિલ્લામાં 3 થી 6 વર્ષની વયના 37,338 બાળકોને રૂા.96.70 લાખના ખર્ચે ગણવેશ આપવામાં આવી રહ્યાં છે. કલેક્ટર કચેરીમાં 10 બાળકોને સ્થળ પર ધારાસભ્ય રૈયાણીના હસ્તે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગણવેશથી આંગણવાડીના બાળકમાં આત્મવિશ્વાસ,શિસ્ત અને સમાનતાની ભાવના વિકસશે: મેયર
કોર્પોરેશન દ્વારા આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને પ્રતિકરૂપે ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આંગણવાડીના બાળકોમાં ગણવેશથી આત્મવિશ્વાસ, શિસ્ત અને સમાનતાની ભાવના કેળવાશે. પોતે આંગણવાડીના વિષય પર પીએચ.ડી. કરી છે. બાળકના સર્વાંગી ઘડતર માટે આંગણવાડીની મહત્વની ભૂમિકા છે. ગણવેશ પહેરવાથી બાળકમાં શિસ્તની શરૂઆત થાય છે. રાજયમાં બાળક કુપોષિત ન રહે તે માટે મુખ્યમંત્રીએ કુપોષિત બાળકને પોષિત કરવાનું અભિયાન શરૂ કરેલ છે. રાજકોટ શહેરમાં પણ કુપોષિત બાળકોને જુદી જુદી સામાજિક સંસ્થાઓ તથા જુદા જુદા ક્ષેત્રના અનેક મહાનુભાવોએ દત્તક લીધેલ છે જેના ખુબ જ સારા પરિણામ આવેલ છે. કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઇ, કુપોષિત બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે મદદરૂપ થાય.આ પ્રસંગે મહાપાલિકાની આંગણવાડીના 3 થી 6 વર્ષના 9305 બાળકો પૈકી 06 બાળકોને ટોકનરૂપે મહાનુભાવોના વરદ હસ્તે ગણવેશ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શીશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, વાઈસ ચેરમેન રુચિતાબેન જોષી, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતા.