બાળકો ઇશ્વરનું સ્વરૂપ, ભગવાને આપેલું તેમને અર્પણ કરૂં છું: ઉદય કાનગડ

કાતિલ ઠંડીમાં માસૂમ બાળકોને રક્ષણ આપવા માટે રાજકોટ પૂર્વ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દ્વારા 12500 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓના આ સેવાકાર્યની માત્ર રાજકોટ જ નહિં પરંતુ સમગ્ર રાજ્યમાં સરાહના થઇ રહી છે. જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાર્થક કરતા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12500 છાત્રોને કડકડતી ઠંડીથી બચાવવા માટે સ્વેટરનું વિતરણ કર્યું હતું.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયા, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ દુધાત્રા, અશ્ર્વીનભાઇ મોલીયા અને મુકેશ રાદડીયા ઉપરાંત અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

તમામે ધારાસભ્યના આ સેવા કાર્યની સરાહના કરી હતી અને તમામ જનપ્રતિનિધિઓને આ સેવા કાર્યમાંથી શીખ લેવા તાકીદ કરી હતી. આ તકે ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. હું આજે કશું જ આપતો નથી. માત્રને માત્ર ઇશ્વરે મને જે સોંપ્યુ છે તે તેઓના ચરણોમાં રજૂ કરૂં છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.