અમૂલ મોતી 160 એમ.એલ.પાઉચ મિલ્ક વિના મૂલ્ય આંગણવાડીના કુપોષિત બાળકોને અર્પણ
વર્તમાન સમયમાં ઘણા બાળકો કુપોષણની સમસ્યાનો સામનો કરી રહયા છે. સરકારશ્રીના કુપોષિત બાળકોમાં કુપોષણ નિવારવાના અભિયાનરૂપે રાજકોટ જિલ્લાના તમામ કુપોષીત બાળકોને સપ્લીમેન્ટ્રી ન્યુટ્રીશન (દૂધ) પુરૂ પાડવા રાજકોટ ડેરી દ્વારા જનભાગીદારીથી પ્રયાસ હાથ ધરાયો છે.
રાજકોટ જિલ્લામાં કુપોષીત બાળકોની સંખ્યા આશરે 3326 છે, આ કુપોષિત બાળકોને દૈનીક ધોરણે 80 એમ.એલ દૂધ આપવાથી તેમના પોષણમાં વધારો થઈ શકે તેમ હોય, રાજકોટ ડેરી દ્વારા દૈનિક ધોરણે (અઠવાડીયામાં પાંચ વાર) 80 એમ.એલ અમૂલ મોતી મિલ્ક જિલ્લાનાં કુપોષીત બાળકોને વિના મૂલ્ય પુરુ પાડીને ત્રણ માસમાં આ તમામ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનું આયોજન હાથ ધરાયેલ છે.
રાજકોટ ડેરીએ કુપોષણ નિવારણના આ મહાઅભિયાનને પોતાની નૈતિક જવાબદારી સમજી વિના મૂલ્ય ત્રણ માસ માટે અમુલ મોતી મિલ્ક 160 એમ.એલના કુલ 1,07,500 પાઉચનો જથ્થો (17.200 લીટર) રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીને વિના મૂલ્ય પૂરો પાડવાનું આયોજન છે, જેમાંથી એક માસનો જથ્થો જરૂરીયાત મંદ સુધી પહોચાડેલ છે. વિના મૂલ્ય આ દૂધ આપતા તેની થતી રકમ રૂ.10,75,000/-(અંકે રૂા. દસ લાખ પંચોતેર હજાર અને વીસ) સંપૂર્ણ રાજકોટ ડેરી દ્વારા ભોગવવામાં આવેલ છે.
રાજકોટ ડેરી દ્વારા કુપોષિત બાળકો માટે આપવામાં આવેલ દૂધનો જથ્થો પશુપાલકોનો આર્થિક હકનો હિસ્સો હોવાથી રાજકોટ ડેરીએ સબંધિત એજન્સીઓ મારફત કુપોષીત બાળકો સુધી પહોંચેલ છે. કે નહિ તેની ખાત્રી કરવા કોટડા સાંગાણી, રાજકોટ, ગોંડલ, જસદણ અને વિંછીયા એમ પ તાલુકાની આંગણવાડીની સરપ્રાઈઝ મુલાકાત રાજકોટ ડેરીનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલિયા, મેનેજીંગ ડિરેકટરશ્રી વિનોદ વ્યાસ અને અધિકારીઓ દ્વારા આજ રોજ કરવામાં આવેલ હતી.
આ આંગણવાડીમાં આ આંગણવાડીમાં નિયમીત દૂધનો જથ્થો મળે છે અને આંગણવાડીની બહેનો દ્વારા કુપોષીત બાળકોને દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. ઘણા કુપોષીત બાળકોમાં આ અભિયાનથી વજન પણ વધ્યું છે અને તેઓની તંદુરસ્તી પણ સુધરેલ છે તેવી જાણકારી આંગણવાડીનાં બહેનોએ આપેલ હતી જેથી રાજકોટ ડેરી દ્વારા કુપોષીત બાળકો માટે વિનામૂલ્યે દૂધ વિતરણની કરવામાં આવી રહેલ કામગીરી ઉદ્ેશપૂર્ણ થઇ રહી છે તેમ સંઘના ચેરમેન ગોરધનભાઇ પી.ધામેલીયા દ્વારા જણાવવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કુપોષણને નાબૂદ કરવા માટે અભિયાન છેડવા ભાજપના આગેવાનો અને કાર્યકરોને આહવાન કર્યું છે. જેના પગલે ગુજરાતમાં ભાજપ દ્વારા હાલ કુપોષણ નિવારણ અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના આગેવાનો અલગ-અલગ વિસ્તારોમાં કુપોષિત બાળકોને દત્તક લઇ તેઓને તંદુરસ્ત બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. રાજકોટ ડેરીએ પણ જિલ્લામાં એકપણ બાળક કુપોષીત ન રહે તે માટે સ્વયંભૂ બીડું ઉપાડ્યું છે. ડેરી દ્વારા જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે સંપૂર્ણ આહાર એવા દૂધનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખરેખર આ અભિયાન ખૂબ જ પ્રસંશનીય છે.