કોર્પોરેશન, રૂડા, શહેર પોલીસ, પીજીવીસીએલના રૂા.૬૨૫ કરોડના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા), રાજકોટ શહેર પોલીસ તથા પી.જી.વી.સી.એલ.ના સંયુક્ત ઉપક્રમે આજે રૂડા મેદાન, ઇસ્કોન મંદિર સામે, મોટામવા પાસે, કાલાવડ રોડ ખાતે રૂ.૬૨૫ કરોડથી વધુ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ વર્લ્ડક્લાસ બને તે માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નવી જી.આઈ.ડી.સી., આ ઉપરાંત ડીસ્ટ્રીક્ટ કોર્ટ બનાવવાના ટેન્ડરો ફાઈનલ થઇ ગયા છે. રૂ.૧૫૦ કરોડના ખર્ચે ડીસ્ટ્રીક્ટ કોર્ટ બનશે. આ ઉપરાંત રાજકોટની પાણીની સમસ્યાના નિરાકરણ માટે આજી, ન્યારીને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરેલા રખાશે. આજે રાજકોટ પાણીદાર રાજકોટ બની ગયેલ છે. આ ઉપરાંત રેસકોર્ષ-૨, અટલ સરોવર જેવા પ્રોજેક્ટ આપેલ છે. આજી નદી વોકળાની ગટરની નદી નહિ પરંતુ નિર્મળ નદી બને તે માટે આજી નદી રીવરફ્રંટની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ ઉપરાંત શહેરમાં થાંભલાઓ પર વાયરના ગૂંચળાઓ ન રહે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કામનું લોકાર્પણ કરવામાં આવેલ છે. ભૂતકાળમાં સરકારી તિજોરી ઉપર ભ્રષ્ટાચારનો પંજો હતો અત્યારે પ્રજાના પૈસામાંથી સવાયું કામ આપવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા પાંચ(૦૫) બ્રીજ બનાવવા રૂ.૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને તે માટે રૂ.૫૦ કરોડની એડવાન્સ ફાળવણી પણ કરી ચુકેલ છે.
મુખ્યમંત્રીએ આ અવસરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે, હાલ રાજકોટમાં ૩૦૭૮ આવાસોનું કામ ગતિમાં છે. ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે હાથ ધરાયેલ આ યોજનામાં એલ.આઈ.જી કક્ષાના ૧૨૬૮ અને એમ.આઈ.જી. કક્ષાના પણ ૧૨૬૮ તથા બાકીના અન્ય કેટેગરીના આવાસો માટેના ફોર્મનું આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી વિતરણ શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજીક જવાબદારીના ભાગરૂપે પોલીસ ડીપાર્ટમેન્ટમાં કામ કરતી દુર્ગા શક્તિ ટીમને રૂ.૧૫ લાખના ખર્ચે વાહનો અર્પણ કરાયા હતા. તેમજ પોલીસ વિભાગ માટે કુલ ૩૭ બુલેટ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયર બિનાબેને જણાવ્યું હતું કે, માત્ર ગુજરાતમાં પ્રગતીની એક અલગ જ પરિભાષા લખાઈ રહ્યાની પ્રતીતિ કરાવતી વિકાસ યાત્રા ના આપણા સૌના નાયક એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આજે શહેરના વિવિધ ફીલ્ડને આવરી લેતા જુદા જુદા પ્રોજેક્ટના રૂ.૫૫૬.૭૬ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ રહ્યા છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રચન કરેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે મુખ્યમંત્રીનું બુકે તથા સ્મૃતિ ચિહ્ન આપી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. તેમજ મ્યુનિસિપલ કમિશનર, જીલ્લા કલેકટર, પોલીસ કમિશનર, પી. જી. વી. સી. એલ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા ઉપસ્થિત સરકારી અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રૂડાના ૨૧ ગામના સરપંચો તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ ભોરણીયા તથા જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું આભારદર્શન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ કરેલ હતું.
ગુજરાતવાસીઓને પ્રજાસત્તાક પર્વની શૂભકામના પાઠવતા રાજયપાલ
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રના ૭૧માં ગણતંત્ર દિનના ગૌરવમય અવસરે રાજયના સૌ નાગરીકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
રાજયપાલએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, આજે આપણો દેશ પ્રગતિના પથ પર તેજ ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના કર્મ મંત્ર સાથે રાષ્ટ્ર અને રાજયની અવિરત વિકાસ યાત્રામાં સૌ નાગરીકો જોડાઇ મહત્વનું યોગદાન આપવા પ્રતિબ્ધધ બને.
રાજયપાલએ જણાવ્યું હતું કે ગુજરાતે સૌના સહિયારા પ્રયાસોથી કલ્યાણ રાજયની સ્થાપના કરવાની દિશામાં નકકર કદમ ઉઠાવ્યા છે. રાજય સરકારે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પાયા પર સમતોલ અને સમગ્ર તથા વિકાસ કરવાનો સેવાયજ્ઞ આરંભ્યો છે.
આજે દેશ પ્રગતિના પંણે ઝડપભેર આગળ વધી રહ્યો છે. સામાજીક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ કરી રહ્યો છે. તેનો ઉલ્લેખ કરતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, સરકારની સર્વ સમાવેશક સર્વાગી વિકાસનીતીને કારણે સ્વરાજ મળ્યા બાદ સુરાજયની પ્રતીતિ સૌ કોઇને થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સુરાજય અને સુશાસનના સમન્વયની જન જન ને અનુભુતિ થઇ રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પારદર્શક અને પ્રામાણિક શાસનની પરંપરાને આગળ ધપાવી છે. એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે કોઇપણ રાષ્ટ્ર કે પ્રદેશનો વિકાસ મહદ અંશે ત્રણ પરિબળો પર આધારીત હોય છે. દઢ રાજકીય ઇચ્છાશકિત, સાતત્વપૂર્ણ નેતૃત્વ અને જનશકિતના સાક્ષત્કારના ત્રણ પાયા ઉપર વિકાસની મજબુત ઇમારત રચાતી હોય છે. ગુજરાતે આ ત્રણેય આયામોને આત્મસાત કર્યા છે. છેલ્લા એક વર્ષના સમયગાળામાં ગુજરાતે જનહિતની નવતર ઉચાઇ હાંસલ કરી છે. ગુજરાત સરકારે રાજયના સર્વાગી વિકાસ માટે સતત ચિંતન અને મંથન કર્યુ છે. જેના પરિણામ સ્વરુપ ગુજરાતે આજે કૃષિ, ઉઘોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમગ્ર દેશમાં ઉડીને આંખે વળગે એવો વિકાસ કર્યો છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ના સૂત્રને સાચા અર્થમાં આ પ્રગતિશીલ સરકારે સાકાર કર્યું છે.