અબતક, રાજકોટ :
રાજકોટ તારીખ ૨૪ જાન્યુઆરી -આજ રોજ “નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે” ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને “વ્હાલી દીકરી યોજના”ના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કલેકટરે દીકરીઓનાં માતા-પિતાઓને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ઝુંબેશ અંતર્ગત ખિલખિલાહટ યોજના,વ્હાલી દીકરીની માહિતી આપવાની સાથેસાથ સુકન્યા યોજનાનો લાભ લેવાની તાકીદ કરી
જે અંગે કલેકટરે દીકરીઓનાં માતા-પિતાઓને‘ બેટી બચાઓ બેટી પઢાઓ’ ઝુંબેશ અંતર્ગત ખિલખિલાહટ યોજના,વ્હાલી દીકરીની માહિતી આપવાની સાથેસાથ સુકન્યા યોજનાનો લાભ લેવાની તાકીદ કરી હતી. અને દીકરીઓને ન્યુટ્રીશન મળી રહે તેવો ખોરાક આપવો અને જરૂરી રસી સમયસર મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” ઝુંબેશ અને “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે આજ રોજ ‘નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને “વ્હાલી દીકરી યોજના”ના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું
તેમજ રાજકોટ જિલ્લાના કુલ -૧૩ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલમાં નવજાત દીકરીને આજે કુલ ૫૦ દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ નારી સંરક્ષણ ગૃહ(સ્ટેટ હોમ ફોર વુમન) ,ઈમ્પીરીયલ હોટલ સામે,કન્યા છાત્રાલય પાસે,યાજ્ઞિક રોડ ખાતે “વ્હાલી દીકરી યોજના”ના લાભાર્થીઓને મંજૂરી હુકમનુ વિતરણ કરવામાં આવ્યું.આ તકે રાજયમાં મહિલા બાળ કલ્યાણના સચિવનાં અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ દ્રારા વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર દિકરીઓ સાથે વાતચીત કરી હતી . રાજકોટમાં પણ આ વિડિયો કોન્ફરન્સ કલેકટર ઓફિસ ખાતે યોજાઈ હતી .
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ તથા દહેજપ્રતિબંધ અધિકારી સોનલબેન રાઠોડ , મહીલા કલ્યાણ અધિકારી જૈંવિનાબેન માણાવદરીયા અને લાભાર્થીઓ હાજર રહયા હતા.
રાષ્ટ્ર બાળપુરસ્કાર મેળવનાર યુવા ખેલાડી મંત્ર હરખાણીનું કલેક્ટરના હસ્તે સન્માન
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડીયો કોન્ફરન્સ માધ્યમથી વિવિધ યુવા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટનાં ખેલાડી મંત્ર હરખાણીનું તેની વિશેષ સિધ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા પણ તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
મંત્રએ અબુધાબી ખાતે યોજાયેલ સ્પેશિઅલ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯-સ્પેશિયલ ઓલંપિકસમાં ભાગ લઈ ૧૮ વર્ષની વયે ભારતનો સૌથી યુવા વિજેતા બન્યો હતો. જે અંગે તેને રાષ્ટ્રિય બાળ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯-સ્પેશિયલ ઓલંપિકસમાં તેણે ૫૦મીટર ફ્રીસ્ટાઈલ અને ૫૦ મીટર બેકસ્ટ્રોકની સ્પર્ધામાં ભાગ લીધો અને બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ અંગે તેમનાં માતા બિજલ હરખાણીએ તેને ૬ વર્ષની ઉંમરથી રુચી ધરાવતાં ક્ષેત્રમાં તાલિમ આપી અને વિવિધ હરીફાઈમાં ભાગ લેવા કેળવણી આપી હતી.