રાજ્યના પુરવઠામંત્રી રાદડિયાએ સસ્તા અનાજના વેપારીઓની અડધો અડધ માંગણીઓ સ્વીકારીમહારાષ્ટ્રના ધોરણે કમિશન વધારો
રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓની છેલ્લા છ દિવસથી ચાલતી રાજ્ય વ્યાપી હળતાલનો ગઈકાલે રાત્રે સુખાંત આવ્યો છે, રાજ્યના પુરવઠા પ્રધાન રાદડિયા અને સસ્તા અનાજ વેપારી મંડળ વચ્ચે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં સસ્તા અનાજના વિક્રેતાઓની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર થતા આજથી તમામ સસ્તા અનાજની દુકાનોમાં રાબેતા મુજબ અનાજ, ખાંડ, કેરોસીનનું વિતરણ શરૂ થઈ ગયું છે
કમિશન વધારો, વારસાઈ નોંધ, આધારકાર્ડ સિડિંગ, વ્યવસાય વેરામાંથી મુક્તિ સહિતની જુદી – જુદી ૧૫ માંગણીઓને લઈ રાજ્યના સસ્તા અનાજના વેપારી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી દ્વારા ૧ લી માર્ચથી અચોક્કસ મુદતની રાજ્ય વ્યાપી હળતાલનું એલાન આપતા રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, અમદાવાદ, સુરત, કચ્છ સહિત સમગ્ર રાજ્યના વેપારીઓ હડતાળમાં જોડાયા હતા અને હડતાલને પગલે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી હતી.
જો કે છ – છ દિવસથી હડતાલ ચાલતી હોવાથી બીપીએલ અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકોની દશા માઠી થઈ ગઈ હોવા છતાં સરકારે સસ્તા અનાજના વિક્રેતાઓની હડતાળની નોંધ સુધા લીધી ન હતી, પરંતુ ગઈકાલે તમામ જિલ્લામાં ધરણા, રામધૂન બોલાવાયા બાદ રાજકોટમાં પરવાનેદારો દ્વારા ભૂખ હડતાલ ચાલુ કરાતા સરકાર સફાળી જાગી હતી અને તાબડતોબ રાજકોટ સહિત રાજ્યભરના વેપારી મંડળના હોદેદારોને ગાંધીનગરનું તેંડુ મોકલ્યું હતું.
દરમિયાન ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે રાજ્યના પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયાએ રાજ્યના વેપારી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી, રાજકોટના નરેન્દ્રભાઈ ડવ, મહેશભાઈ રાઠોડ, નેમચંદભાઈ ક્રિપલાણી, પૂર્વ પ્રમુખ ગિરિરાજસિંહ, સૌરાષ્ટ્ર કચ્છના રાજુભાઇ નંદાણીયા સહિતના અગ્રણીઓ સાથે મંત્રણા કરી વિચાર વિમાર્શન અંતે મુખ્ય માંગણીઓ પૈકી ૫૦ ટકા માંગનો સ્વીકાર કરી મહારાષ્ટ્રના ધોરણે કમિશન વધારો, જૂન ૨૦૧૮ સુધીમાં ગેસના સિલિન્ડરની ડીલરશિપ આપવી, ૧૫ દિવસમાં વારસાઈનો પ્રશ્ન ઉકેલ કરવાની સાથે વ્યવસાય વેરાનો પ્રશ્ન પણ ઉકેલવા ખાતરી આપી હતી.
પુરવઠા પ્રધાન રાદડિયા સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ રાજ્યના ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ સતાવાર રીતે હડતાલ પૂર્ણ થયાનું જાહેર કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના વ્યાજબી ભાવના વિક્રેતા મંડળના હોદેદારો સાથે બેઠકમાં પુરવઠા પ્રધાને હડતાલ સમાપ્ત કરવા વિનંતી કરતા વિનંતીને માન આપી ગરીબ લાભાર્થીઓને હિતમાં હડતાલ પૂર્ણ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી તથા નાણામંત્રી સાથે બેઠક બાદ પરવાનેદારોની મોટાભાગની માંગણી સ્વીકારશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આમ, ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર ખાતે પુરવઠા પ્રધાન સાથે યોજાયેલ મિટિંગમાં બન્ને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતા અચોક્કસ મુદતની હળતાલનો સુખદ અંત આવ્યો છે અને આજથી રાબેતા મુજબ તમામ સસ્તા અનાજની દુકાનોમાં અનાજ કેરોસીનનું વિતરણ ચાલુ થઈ ગયું છે.