ફોર્મ ભરીને પરત આપવાની ડેડ લાઈન શનિવાર સુધીની : 12 કેટેગરીના કુલ 338 પ્લોટ અને સ્ટોલ રહેશે
લોકમેળાના સ્ટોલ-પ્લોટ માટે સોમથી શનિ ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે. આ દરમિયાન જ ફોર્મ ભરીને પરત આપવાનું રહેશે. આ વર્ષે 12 કેટેગરીના કુલ 338 પ્લોટ અને સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેના ભાડામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં બે વર્ષ બાદ આગામી તા. 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 338 જેટલા પ્લોટ અને સ્ટોલ રાખવામાં આવ્યા છે. અને તમામ પ્લોટની કિંમતમાં 5 ટકાનો ભાડા વધારો કરવામાં આવે. ચડ.જેના માટે અરજી પત્રકનું વિતરણ તા.11થી તા.16 સુધી ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે તથા નાયબ કલેક્ટર, પ્રાંત સીટી-1 કચેરી ખાતેથી કરવામાં આવશે. બાદમાં ભરેલા અરજી ફોર્મ તા.16 સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ ખાતે જમા કરાવવાના રહેશે.
તા.27ને બુધવારના રોજ સવારે 11 કલાકે કેટેગરી-બીના રમકડાના કુલ 178 સ્ટોલ, કેટેગરી સીના ખાણીપીણીના 14 સ્ટોલ, કેટેગરી જેના મધ્યમ ચકરડીના 4 પ્લોટ, કેટેગરી કે-1ના નાની ચકરડીના 28 પ્લોટ, કેટેગરી કે-2 નાની ચકરડીના 20 પ્લોટના ડ્રો થશે.
તા.28એ બપોરે 11 વાગ્યે કેટેગરી-એના ખાણી પીણી મોટા 2 પ્લોટ, બપોરે 4 વાગ્યે બી 1 કોર્નર રમકડાંના 32 પ્લોટની હરાજી થશે. તા.29ના રોજ 11 વાગ્યે કેટેગરી ઇમાં યાંત્રિક માટેના 6 પ્લોટ, કેટેગરી-એફના 4 પ્લોટ, કેટેગરી જીના 25 પ્લોટ, કેટેગરી એચના 9 પ્લોટ મળી યાંત્રિક માટેના 44 પ્લોટની હરાજી કરવામાં આવશે. જયારે આઈસ્ક્રીમના ચોકઠા કેટેગરી એક્સ પ્લોટ સંખ્યા 16ની હરાજી તા.30ને સવારે 11:30 કલાકે યોજાશે. આ તમામ ડ્રો તથા હરાજી નાયબ કલેક્ટર સીટી-1ની કચેરીમાં યોજાશે.
વધુમાં પ્રાંત કચેરીની યાદીમાં જણાવાયું છે કે જુદી જુદી કેટેગરીની બેઠી કિંમતની પૂરેપૂરી રકમ ટેક્સની સૂચિત રકમ તથા ડિપોઝિટની પૂરેપૂરી રકમ મળીને કુલ રકમનું ડિમાન્ડ ડ્રાફ્ટ અધ્યક્ષ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટના નામનો સાથે રાખીને ફોર્મ આપવાનું રહેશે.
યાંત્રિક કેટેગરીમાં જે આસામી એ ફોર્મ ભરેલ હશે તે બધી યાંત્રિક કેટેગરીઓ ઈ,એફ,જી, એચ માં હરાજીમાં ભાગ લઈ શકશે. હરાજી વાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલ આસામીઓએ અપસેટ પ્રાઇસથી ઉપરની બોલી બોલવાની રહેશે. કેટેગરી જ, કે વન, કે ટુ નું ફોર્મ ભરનારા સામે રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજુ કરેલ હશે તે જ આસામીઓનું ફોર્મ સ્વીકારવામાં આવશે. એક એલોટમેન્ટ લેટર વાળા ગમે તે એક જ કેટેગરીમાં એક જ ફોર્મ રજૂ કરી શકશે.