લોકમેળાની કામગીરીનો ધમધમાટ શરૂ: મંડપના ટેન્ડર બહાર પડશે: ઓગષ્ટનાં પહેલા અઠવાડિયામાં હરરાજી-ડ્રો
આગામી તા.૧લી સપ્ટેમ્બરી યોજાનારા ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો ધમધમાટ પુરજોશમાં શરૂ થઈ ગયો છે. લોકમેળા સમીતી દ્વારા ૨૧ જૂલાઈથી ૩૧ જુલાઈ દરમિયાન વિવિધ કેટેગરીના સ્ટોલ માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. સાથે સાથે માર્ગ મકાન વિભાગને વહેલી તકે મંડપ, લાઈટ, સાઉન્ડના ટેન્ડરો બહાર પાડવા પણ સુચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
લોકમેળા સમીતી દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૧લી સપ્ટેમ્બરથી પાંચ દિવસના ભાતીગળ જન્માષ્ટમી લોકમેળાની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે જે અંતર્ગત તા.૨૧ થી ૩૧ જુલાઈ દરમિયાન વિવિધ કેટેગરીના સ્ટોલ માટેના ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. ફોર્મનો દર રૂ.૫૦ યથાવત રાખવામાં આવ્યો છે અને ઓગષ્ટના પહેલા અઠવાડિયામાં જ હરરાજી ડ્રોની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
દરમિયાન લોકમેળાના સ્ટોલ સહિતની તૈયારી માટે વીસેક દિવસની પૂર્વ તૈયારી જરૂરી હોય લોકમેળા સમીતી દ્વારા માર્ગ અને મકાન વિભાગને મંડપ, સાઉન્ડ, લાઈટીંગ સહિતના ટેન્ડરો બહાર પાડવા સુચના આપી દેવામાં આવતા ટૂંક સમયમાં ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત જાહેરાત અને અન્ય કોન્ટ્રાકટ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
લોકમેળામાં રમકડા અને સ્ટોલ વધશે
આગામી ૧લી સપ્ટેમ્બરી શરૂ થતા લોકમેળામાં જુદી જુદી કેટેગરીના સ્ટોલની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યાં છે. વધુમાં લોકમેળા સમીતી દ્વારા ખાણીપીણી અને રમકડાના સ્ટોલ વધારવામાં માટે સમીતી દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. સાથો સાથ સ્ટોલ ભાડામાં વધારો પણ સુચવવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.