વલસાડના ભિલાડ ખાતે રાજ્ય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે વનબંધુ ૧૦ મુદ્દા કાર્યક્રમ હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે ૯૮ જેટલા આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતરકીટસ વિતરણ કરવામાં આવી હતી. આ કીટમાં દૂધી, કારેલાં, ભીંડા, ટામેટાં અને રીંગણના બિયારણનો સમાવેશ થાય છે.
ભિલાડ જી.એસ.એફ.સી.ફર્ટિલાઇઝર ખાતે યોજાયેલા કીટ્સ વિતરણ સમારોહ અવસરે રાજ્ય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિજાતિ ખેડૂતોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જે પૈકી કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિના ખેડૂતોને શાકભાજી વાવેતર માટે બિયારણ-ખાતર કીટ આજે આપવામાં આવી છે.
બિયારણ આપવાની સાથે માર્ગદર્શન અને તેનો પાક તૈયાર થયા બાદ તેના માર્કેટિંગની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરે છે. ખેતીની આવક બમણી કરવા માટે ખેતીમાં પાકનું રોટેશન ચાલુ રાખવા, આધુનિક પધ્ધતિથી ખેતી કરવા, પ્રગતીશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવવા તેમજ માટીનું પરીક્ષણ કરાવી કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ખાતરનો ઉપયોગ કરવા હિમાયત કરી હતી. જમીનના છેડા સાચવણી માટે સાગના રોપા રોપવા જણાવ્યું હતું.
પ્રાયોજના વહીવટદારશ્રી બી.સી.ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. આ અવસરે ટી.એસ.પી.ના મદદનીશ કમિશનર ઠાકોર, જી.એ.ટી.એલ.ના હિમાંશુ ભારદ્વાજ, જી.એસ.એફ.સી.ના અધિકારીઓ, ગ્રામજનો, ખેડૂતો હાજર રહ્યા હતા.