8 સોસાયટીના લોકો ઝાડા-ઉલ્ટીમાં સપડાયા, સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ: ભાજપના ચારેય કોર્પોરેટરો અજાણ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ કરી મ્યુનિ.કમિશનરને રજૂઆત
શહેરના વોર્ડ નં.3માં અલગ-અલગ આઠ સોસાયટીઓમાં છેલ્લાક ત્રણેક દિવસથી નળ વાટે દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જેના કારણે લોકો ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં સપડાઇ ગયા છે. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે. ભાજપના ચારેય કોર્પોરેટરો આ ઘટનાથી જાણે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો દ્વારા મ્યુનિ.કમિશનર આનંદ પટેલને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
વોર્ડ નં.-3માં સિંધી કોલોની, ઝુલેલાલનગર, હંસરાજનગર, પરસાણાનગર, તોપખાના, વાલ્મિકી વાડી, સ્લમ કવાર્ટર્સ અને મોચી બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજ ગટરની લાઈનનું ગંદુ પાણી ભળી જતા ઝાડા-ઉલ્ટીનો પાણી જન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે.
આ અંગે પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. તેઓએ ઉમેર્યું હતું કે આઠ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોય તાકીદે યોગ્ય પગલા લેવાની જરૂર છે. આઠ વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે. બાંધકામ ચાલી રહ્યું છે, જેના ખોદકામ દરમિયાન લિકેજ થયેલી ડ્રેનેજ લાઈનનુ પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી ગયુ છે. જેના લીધે પીવાના પાણીની લાઈનમાં એટલુ ડહોળુ, દુર્ગંધ યુકત અને ફીણ વાળુ પાણી આવે છે કે જે પીવા લાયક હોતુ નથી એટલુ જ નહી કોઈ પણ પ્રકારના ઉપયોગમાં લેવાના લાયક હોતુ નથી. આ વિસ્તારોમાં અંદાજે 25 થી 30 હજાર નાગરિકો રહે છે અને પ્રદૂષિત પાણી પીવાના કારણે અનેક નાગરિકોને ઝાડા-ઉલ્ટી થયા છે. અમુક રહીશોએ ખાનગી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીની સારવાર લેવી પડી છે. જો આ સમસ્યા વહેલી તકે નહી ઉકેલાય તો આ વિસ્તારમાં પાણી જન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.
પ્રદુષિત પાણીના વિતરણ અંગે 72 કલાકમાં અનેક વખત મૌખિક, ટેલીફોનિક, રૂબરૂ રજુઆત કરવા છતા આજે ચોથા દિવસે પણ પ્રશ્ર્ન ઉકેલાયો નથી. ઈજનેરો ફોલ્ટ શોધી શકયા નથી અને અધિકારીઓ રૂબરૂ સાઈટ વિઝીટ માટે આવતા નથી.
વોર્ડ નં. – 3ના આ વિસ્તારોમાં દરરોજ નળમાંથી ગટરનુ જળ આવી રહયુ છે. જેના લીધે પ્રદૂષિત પાણીથી સ્નાન કરવાથી અનેક લોકોને શરીર ઉપર ખંજવાળ આવવી, પાણી પીનારને ઝાડા ઉલ્ટી થવા, ટાંકામાં પાણીનુ સ્ટોરેજ કરનારને ઘરમાં દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. અનેક રહીશોને આવુ પ્રદુષિત પાણી મળ્યા બાદ ટાંકા સહિતની ઘરની સ્ટોરેજ સિસ્ટમની સફાઈ કરવી પડી છે. અને હાલ પીવાના પાણી માટે પૈસા ચૂકવીને ખાનગી ટેન્કર મંગાવવા પડી રહયા છે.
વોર્ડ નં.-3માં પરસાણાનગર વિસ્તાર નજીક આવેલા રેલ્વે ટ્રેક પર ડ્રેનેજ ગટરના ગંદા પાણી ફરી વળ્યા હોય મચ્છરનો ભયંકર ઉપદ્રવ સર્જાયો છે, આ અંગે પણ રજુઆત કરી છે. આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજની લાઈનો દાયકાઓ જુની હોય અવાર-નવાર લિકેજ થતી હોય નવી લાઈનો નાખવા માંગણી છે.
તદઉપરાંત આ વિસ્તારમાં રસ્તા ઉપરના ડ્રેનેજ મેનહોલ અને ઢાંકણાઓનુ લેવલીંગ તાકીદે કરવુ જરૂરી છે. પ્રદુષિત પાણી પીવાથી કોઈનું મૃત્યુ થાય તે પૂર્વે સમસ્યા ઉકેલવા કોંગ્રેસના આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, ગૌરવ પુજારા, વજુભાઇ છૈયા, જગદીશ ટેકચંદાણી, સુનિલ રામચંદાણી, રાજાભાઇ ચૌધરી, જયદિપ સેજપાલ, કૃષ્ણકાંત ચોક્સી, હિતેષ પુજારા, નિશાંત સોમૈયા અને જીતુભાઇ ચંદાણીએ રજૂઆત કરી છે.