709 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અપાયો લાભ : પ્રધાનમંત્રી સ્વનીધિ યોજનામાં 4111 ફેરિયાઓને 4.89 કરોડની લોન-સહાય
જૂનાગઢમાં રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારીઓના લાભોનુ પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે સંબોધિત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનો પાયો નંખાયો હતો અને તેમના જ દિશાદર્શનમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ગુજરાતમાં વણથંભી વિકાસયાત્રા શરૂ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી ગરીબ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો સુધી સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં યોજનાઓની અમલવારીની વિગતો આપતા મંત્રી એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બી.એલ.સી. ઘટકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં કૂલ 709 લાભાર્થીઓને કૂલ રૂ. 18.33 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કૂલ 2.76 લાખ લાભાર્થીઓને આરોગ્ય કવચ હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સ્વનીધિ યોજનામાં 4111 ફેરીયાઓને 4.89 કરોડની લોન-સહાય આપવામાં આવી છે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના 635 ખેડૂતોને વાર્ષિક સન્માન નિધી પેટે રૂ. 6000ની રકમ સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. તેમજ 554 ગંગા સ્વરૂપા બહેનોને રૂ. 5.54 લાખની સહાય ચૂકવવામાં આવી રહી છે. અંતમાં મંત્રી એ કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા તમામને લાભ મળે તે માટે ટીમ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, આસી. કલેકટર હનુલ ચૈાધરી, મનપા કમિશનર રાજેશ તન્ના, મેયર, ડે. મેયર, શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.