સહકારી બેન્ક, ક્રેડિટ સોસાયટી દ્વારા રૂ. ૧ લાખ સુધીનું ધિરાણ: શ્રમિકો, નાના વેપારીઓ, કારીગર વર્ગને લાભ

કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે સમગ્ર દેશમાં તા. ૨૫-૩ થી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પરિણામે નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ કારીગરો તથા શ્રમિકોને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર પડી છે. પ્રતિકૂળ પરિસ્થિતિનું નિવારણ લાવવા નાના વેપારીઓ, કારીગરો, મધ્યમ વર્ગ, શ્રમિકોને મજબૂત આર્થિક આધાર આપનારી રૂ.૧ લાખ સુધી કરવામાં આવેલ બિન તારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવા માટેની “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજ્ય સરકાર દવારા મંજૂર કરવામાં આવી છે.

આ યોજનાનો પ્રારંભ ફોર્મ વિતરણ સાથે તા. ૨૧ મેથી શરૂ થશે જે તા. ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સહકારી બેંક, જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા રાજ્યમાં આવેલ તમામ નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ,વ્યક્તિગત કાર્યકરો તથા શ્રમિક વર્ગની વ્યક્તિઓને રૂ. ૨૫,૦૦૦, ૫૦,૦૦૦, ૭૫,૦૦૦ તથા ૧,૦૦,૦૦૦ના સ્લેબમા ધિરાણ આપવામાં આવશે.

આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ એક જ વખત લાભ મેળવી શકશે. આ ધીરાણ પર મહત્તમ વ્યાજ ૮% રાખવામા આવ્યુ છે, જેમાં ૨ % વ્યાજ અરજદારે ભરવાનું  રહેશે, જ્યારે  રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ૬%ના દરે વ્યાજ સહાય આપવામા આવશે. આ યોજનાનો ગાળો ત્રણ વર્ષનો રહેશે. જેમાં પ્રથમ છ માસનો સમય મોરેટોરિયમપિરિયડ દરમિયાન વ્યાજ કે મુદલ ભરવાનું રહેશે નહીં.

અરજદારે ધિરાણ પ્રોસેસ માટે બેંક, ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારના વધારાના ચાર્જીસ જેવા કે ફોર્મ ફી, સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસિંગ ચાર્જ  ચૂકવવાનો રહેશે નહીં. જો લોન ધારક સહકારી બેંક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સભ્ય પદ ન હોય તો તેવા કિસ્સામાં નોમિનલ સભાસદ બનવા માટેની ફી ચાર્જીસ કે અન્ય ખર્ચ વગર ધિરાણ મેળવી શકાશે. જો કે, સહકારી બેંકો, ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ધિરાણની સલામતી માટે ધિરાણ મેળવનાર પાસેથી એડવાન્સ ચેક લઇ શકશેતેમ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર તિર્થાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.