સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા અપુરતા વરસાદને કારણે અછતની પરિસ્થિતિ ઉભી થઈ છે. આવી પરિસ્થિતિમાં મુંગા પશુઓને ઘાસચારો મળી રહે તે માટે રાજય સરકારે વિશેષ ઘાસ ડેપો ખોલ્યા છે અને તેના મારફત રાહતદરે ઘાસનું વિતરણ કરવામાં આવી રહયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, થાનગઢ, મુળી, દસાડા, સાયલા અને લીંબડી એમ સાત તાલુકામાં અંદાજે ૪.૯૪ લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું અછત કંન્ટ્રોલરૂમે જણાવ્યું છે.
જે પૈકી સૌથી વધુ દસાડા તાલુકામાં ૨.૦૨ લાખ કિલોગ્રામ અને લીંબડી તાલુકામાં ૧.૦૪ લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ સાત ઘાસ ડેપો પર કૂલ ૧.૯૭ લાખ કિલોગ્રામ ઘાાસનો જથ્થો ઉપલબ્ધ છે. આ માટે વલસાડમાંથી કૂલ ૬.૯૨ લાખ કિલોગ્રામનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો. જિલ્લાના પશુપાલકો આ ઘાસ ડેપો ચાલુ થવાથી રાહત અને આનંદની લાગણી અનુભવી રહયા છે.