૨૦૦૯ની ભરતીના ૨૧ નાયબ મામલતદારોને તદ્ન હંગામી ધોરણે મતદાર યાદી, ફલડ કંટ્રોલ સહિતની જગ્યાઓ પર નિમણુક અપાશે
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ટુંક સમયમાં જ ૨૦૦૯ની ભરતીના ૨૧ કારકુનોને નાયબ મામલતદાર તરીકેના પ્રમોશન આપવામાં આવશે જોકે આ પ્રમોશન તદન હંગામી ધોરણે આપવામાં આવશે. આગામી અઠવાડિયે આ તમામ કારકુનોના ઓર્ડર કરવામાં આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા નાયબ મામલતદારોને સ્ટેટ કેડરમાં સમાવી લેવામાં આવ્યા છે જોકે ઈમરજન્સી જરૂરીયાતના સમયે જિલ્લા કલેકટરોને પ્રમોશનના પાવર આપવામાં આવ્યા હોય જરૂરી જગ્યાઓ ભરવા માટે પ્રમોશન આપવાની સતા આપેલી હોય આ સતાની એ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા ૨૦૦૯ની ભરતીના ૧૫ તેમજ ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ૬ કારકુનોને ટુંક સમયમાં જ નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી હેઠળ ફરજ બજાવતા ૨૧ કારકુનોને નાયબ મામલતદાર ચુંટણી, નાયબ મામલતદાર ફલ્ડ કંટ્રોલ, નાયબ મામલતદાર ડિઝાસ્ટર સહિતની ખાલી જગ્યાઓ ભરવી જરૂરી હોય આ પ્રમોશન ઓર્ડર આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગામી અઠવાડિયામાં આ તમામ કારકુનોને પ્રમોશન આપવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો સતાવાર સુત્રોએ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં પાંચ થી છ જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા પ્રમોશનનો ધાણવો કાઢવામાં આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં જરૂરી જગ્યાઓ ભરવા માટે ૨૧ કારકુનોને પ્રમોશન આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.