જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની ઝડપી કામગીરી: ગ્રામ્ય વિસ્તારના ૩૨૧૦૩ પરિવારોનો યોજનામાં સમાવેશ, ૫૧ હજાર કાર્ડનું આગામી દિવસોમાં વિતરણ કરાશે
જિલ્લા પંચાયત દ્વારા આયુષમાન ભારત યોજનાના ૧.૦૭ લાખ કાર્ડનું વિતરણ કરી નાખવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુષમાન ભારત યોજનાની કામગીરીમાં ઝડપભેર આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૨૧૦૩ પરિવારનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વધુ ૫૧૦૦૦ જેટલા કાર્ડ તૈયાર થઈ ચૂકયા છે જેનું આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા સૌથી સ્વાસ્થ્ય યોજના આયુષમાન ભારતને અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે શહેર વિસ્તારમાં કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતોને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતે આયુષમાન ભારત યોજનામાં કોર્પોરેશનથી વધુ ઝડપી કામગીરી કરીને અત્યાર સુધીમાં ૧,૦૭,૮૫૩ કાર્ડનું વિતરણ પણ કરી દીધું છે. જિલ્લા વિકાસ અધિકારી અિનલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની ટીમ દ્વારા અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ૩૨૧૦૩ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૯૧૦૦૦ તેમજ શહેરી વિસ્તારમાં કુલ ૯૬૦૦૦ પરિવારોનો આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓમાં સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતે અત્યાર સુધીમાં ૩૨૧૦૩ પરિવારોના કાર્ડ કાઢી આપ્યા છે. હવે ૫૮૦૦૦ જેટલા પરિવારોને આ યોજનામાં સમાવવા માટે કામગીરી ચાલી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આયુષમાન ભારત યોજનાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. હાલ વધુ ૫૧૦૦૦ જેટલા કાર્ડ તૈયાર થઈ ચૂકયા છે. આ કાર્ડનું વેરીફીકેશન કરાવી આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોના ૧,૦૭,૮૫૩ લોકોના કાર્ડ તેઓએ આપી દેવામાં આવ્યા છે.