Table of Contents

પડધરી ગામમાં પાણીની પળોજણ સર્જાઈ છે. અહીં અત્યંત દુર્ગંધવાળું કદડા જેવું પાણી વિતરણ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ નજીકથી જ નર્મદા પાઇપલાઇન પસાર  થતી હોય છતાં તેનો લાભ લેવામાં તંત્રની નિરસતા જોવા મળી રહી છે. ગામને શુદ્ધ પાણી આપવાનું પદાધિકારીઓ જાણે ઇચ્છતા જ ન હોય તેવો ઘાટ  સર્જાયો હોય હવે આ મામલે પ્રજામાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.

પડધરીમાં પાણીની પળોજણ

ગામ નજીકથી જ નર્મદા પાઇપલાઇન પસાર  થતી હોય છતાં તેનો લાભ લેવામાં તંત્રની નિરસતા, ગામને શુદ્ધ પાણી આપવાનું પદાધિકારીઓ જાણે ઇચ્છતા જ ન હોય તેવો ઘાટ 

IMG 20210616 WA00041

પડધરી ગામ અનેક સુવિધાઓથી વંચિત છે જેમાં મુખ્યત્વે શુદ્ધ પાણીની સમસ્યા ગામમાં ઘર કરી ગઈ છે. ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કોઈપણ કચેરીને પાણીના આ પ્રશ્ર્નના નિરાકરણ લાવવામાં જાણે કોઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. પાણીનો પ્રશ્ર્ન છેલ્લા બે વર્ષથી વિકટ બની ગયો હોય ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ગામની ગટરનું પાણી જ્યાં ઠલવાય છે ત્યાંનું પાણી જ ગામ લોકોને નળ મારફતે આપવામાં આવે છે. આ પાણી અત્યંત દુષીત અને દુર્ગંધ યુક્ત હોય આ પાણી પીવાની વાત તો દૂર આ પાણીથી ન્હાવુ, કપડા ધોવા કે વાસણ કરવા પણ શક્ય નથી.

IMG 20210616 WA00011

જ્યાં ગટરનું પાણી ભળે છે ત્યાંથી ગ્રામજનોને પાણીનું વિતરણ કરાય છે: દુષિત પાણીથી ચામડી તથા વાળના રોગોનું પ્રમાણ ભયજનક સપાટીએ પહોંચ્યું

આ દુષિત પાણીના કારણે ગ્રામજનો વિવિધ રોગોનો ભોગ બની રહ્યાં છે. છતાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. માત્ર પડધરીથી 5 થી 7 કિ.મી. દૂર રામપર ગામેથી નર્મદા પાણીની પાઈપ લાઈન નાખવાની હોય આ કામનો વર્ક ઓર્ડર પણ નીકળી ગયો છે છતાં તંત્ર દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું નથી જેનું પરિણામ આખા ગામના લોકોને ભોગવવું પડી રહ્યું છે.

અનેક રજૂઆતો કરાઈ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં: રામજીભાઈ ગોહેલ

IMG 20210616 WA00191

પડધરી ગામના આગેવાન અને નિવૃત શિક્ષક રામજીભાઈ ગોહેલે જણાવ્યું કે, પડધરીમાં છેલ્લા ઘણા વર્ષથી ઉનાળામાં પાણીનો પ્રશ્ર્ન સર્જાય છે. આ ત્રણથી ચાર મહિના દરમિયાન પાણી કેમિકલયુક્ત તેમજ ગંદુ અને ડહોળુ આવે છે. જે પાણીથી ન્હાવું, કપડા કે વાસણ ધોવા શક્ય નથી. આ પ્રશ્ર્નથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે જ્યારે આ અંગે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે મૌખીક રીતે કહી દેવામાં આવ્યું છે કે, પાણીનો પ્રશ્ર્ન હલ થઈ જશે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આજુબાજુના ગામોમાં નર્મદાનું પાણી અપાય છે જ્યારે પડધરીને આ પાણીથી બાકાત કેમ રાખવામાં આવ્યું છે તે ગ્રામજનોને સમજાતું નથી. હવે વહેલી તકે પડધરીની પ્રજાને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી પ્રબળ માંગ છે.

સરપંચને અનેક રજૂઆત કરી, છતાં લાઇન રિપેરીંગ કામ અધ્ધરતાલ: કાનજીભાઈ

IMG 20210616 WA00181

પડધરી તાલુકા પંચાયતના ન્યાય સમીતીના પૂર્વ ચેરમેન કાનજીભાઈ ચાવડાએ જણાવ્યું કે, મેં સરપંચને નર્મદાના પાણી માટે અવાર-નવાર રજૂઆતો કરી છે. દોઢ વર્ષ પૂર્વે પુર આવવાથી આજી-3ની લાઈનનો જોઈન્ટ તૂટી ગયો હતો. નદી સુકાય ત્યારે જોઈન્ટ નાખવાનું કહેવામાં આવ્યું હતું. આ કામ કરવામાં તંત્રને જાણે રસ જ નથી તેવું લાગી રહ્યું છે. ઉપરાંત નર્મદાના પાણી માટે પણ પાણી પુરવઠાને રજૂઆત કરવામાં આવી છે. પુરવઠાએ રામપરથી પડધરી સુધી પાઈપ લાઈનના કામનો વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપી દીધો છે જે કામ હાલ અધ્ધરતાલ રહ્યું છે. આ મામલે પણ અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. હાલ જ્યાં ગટરનું પાણી નદીમાં ભળે છે ત્યાંથી ગામને પાણી આપવામાં આવી રહ્યું છે.

દુષિત પાણીથી ચામડીના રોગો થઈ રહ્યાં છે: સવિતાબેન

1212 c 1

ગીતાનગરના રહેવાસી સવિતાબેને જણાવ્યું કે, તેઓના વિસ્તારમાં પીવાનું પાણી  મળતું નથી. હાલ જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પીવા માટે તો ઠીક વાપરવા માટે પણ ચાલે તેમ નથી. પીવાનું પાણી નાછુટકે બહારથી વેચાતું લેવું પડે છે. હાલ જે પાણી વિતરણ થાય છે તે અત્યંત દુષિત હોય, ચામડીના રોગો થઈ રહ્યાં છે. અગાઉ સરપંચના ઘરે ડોલ અને ડબલા લઈ જઈને વિરોધ કર્યો હતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

દુષિત પાણીથી વાળ ખરવાની સમસ્યા વધી: શારદાબેન ચાવડા

IMG 20210616 WA00171

ગીતાનગરના શારદાબેન ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષથી પાણીના પ્રશ્ર્ને માજા મુકી છે. આ પાણી એટલી હદે દુષિત છે કે તેનાથી ચામડીના રોગ અને વાળ ખરવાની સમસ્યા થઈ રહી છે. આ પાણી વાપરવાથી ડોકટર પાસે જવાનો ખર્ચો પણ વધી ગયો છે. ઉપરાંત પિવાના પાણી માટે બહારથી ફિલ્ટરના કેરબા લેવા પડે છે. જો ફિલ્ટરના કેરબાવાળો આવે અને ત્યારે કામે ગયા હોય તો આખો દિવસ પિવાના પાણી વગર રહેવું પડે છે.

પડધરી ધણી ધોરી વગરનું ?

ગામના પ્રથમ નાગરિક કોણ? ડોકટર સાહેબે તો નનૈયો ભણ્યો!!

પડધરીના પાણી પ્રશ્નનું નિરાકરણ કેમ નથી આવતું તેવું પૂછવા અબતકની ટીમે સરપંચ સાહેબનો સંપર્ક કર્યો ત્યારે સરપંચ એવા ડોકટર સાહેબે હું સરપંચ છું જ નહીં. મારા પત્ની સરપંચ હોવાનું કહી દીધું હતું. જો કે હકીકતમાં સરપંચ સાહેબના પત્ની જ સરપંચ હોય પરંતુ સમગ્ર કાર્યભાર ડોકટર સાહેબ જ સંભાળતા હોય જેથી અબતકની ટીમે તેઓનો સંપર્ક કર્યો હતો. હવે પ્રશ્ન એ સર્જાય છે કે હકીકતમાં ગામના સરપંચ એટલે કે પ્રથમ નાગરિક છે કોણ? ગ્રામજનોએ કે મીડિયાએ સમસ્યા કોની સામે રજૂ કરવી ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.