ગૃહિણીઓએ દુર્ગંધ અને કદડાયુકત પાણી રોડ ઉપર ઢોળી નાખ્યું: કોર્પોરેટર અતુલ રાજાણી દોડી ગયા
કોર્પોરેશન દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં હાલ ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે શહેરનાં વોર્ડ નં.૩માં સાંઇબાબા સોસાયટીમાં ડીઆઈ પાઈપલાઈનનાં ટેસ્ટીંગ વેળાએ જ કદરાવાળું અને દુર્ગંધયુકત પાણીનું વિતરણ થતાં ગૃહિણીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં કોર્પોરેટર અતુલ રાજાણી રૂબરૂ સ્થળે દોડી ગયા હતા.
વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં આવેલી સાંઈબાબા સોસાયટીમાં પાણી વિતરણ માટે ડીઆઈ પાઈપલાઈન ફીટ કરવામાં આવી છે. ડીઆઈ નેટવર્કનું કામ પૂર્ણ થતાં આજે ટેસ્ટીંગની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં જુની પાઈપલાઈનનાં બદલે ડીઆઈ પાઈપલાઈન મારફત પાણી વિતરણ કરવામાં આવ્યું હતુંં જે અત્યંત દુર્ગંધયુકત અને કદરા જેવું હોવાનાં કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. નળનું પાણી અત્યંત વાસ મારતું હોવાનાં કારણે આ પાણી રોડ પર ધોળી નાખ્યું હતું જેનાં કારણે ગલીમાં પણ ભારે વાસ આવવા લાગી હતી.
આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનનાં અધિકારી અને વોર્ડનાં કોર્પોરેટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગૃહિણીઓએ એવી માંગણી કરી હતી કે, ડીઆઈ પાઈપલાઈનનાં બદલે તેઓને જુની પાઈપલાઈનથી જ પાણી આપવામાં આવે જોકે અધિકારીઓનું એવું માનવું છે કે, ડીઆઈ પાઈપલાઈન બિછાવતી વેળાએ થોડો કચરો અંદર રહી ગયો હોવાનાં કારણે આજે ટેસ્ટીંગ વેળાએ દુર્ગંધયુકત અને ડહોળુ પાણી આવ્યું હતું આ સમસ્યા કાયમી નહીં રહે. એકાદ-બે દિવસમાં સમસ્યા હલ થઈ જશે.