સીસીટીવી કેમેરા નાખવાનું કામ કરતી એજન્સીએ પાઈપલાઈનમાં ભંગાણ સર્જયું: નોટિસ ફટકારાઈ: વોર્ડ નં.૨,૩ અને ૭માં વિતરણ ૬ કલાક ખોરવાયું
શહેરના જયુબીલી શાકમાર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ નજીક આજે સવારે ડિસ્ટ્રીબ્યુશનની મેઈન ૬૦૦ એમ.એમ.ની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે શહેરના ૩ વોર્ડમાં પાણી વિતરણ ૬ કલાક સુધી ખોરવાઈ ગયું હતું. સીસીટીવી કેમેરા માટે પોલ નાખવાનું કામ કરતી એજન્સીના માણસોએ પાઈપલાઈનમાં ભંગાણ સર્જયું હોવાનું બહાર આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો છે. પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાનું જાણવા મળતા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.જયુબીલી શાકમાર્કેટ પાસે આજે સવારે ૬૦૦ ડાયામીટરની પાઈપલાઈનમાં ધડાકાભેર ભંગાણ સર્જાવાના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પાઈપલાઈન તુટી હોવાની જાણ થતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓના નિરીક્ષણમાં પાઈપલાઈન રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે વોર્ડ નં.૨ના બજરંગવાડી સહિતના વિસ્તાર, વોર્ડ નં.૩ના જંકશન, રેલવેનગર, ગાયકવાડી સહિતના વિસ્તાર અને વોર્ડ નં.૭ના રૈયાનાકા ટાવર, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ૬ કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાના પોલ ઉભું કરવાની કામગીરી કરતી એજન્સી દ્વારા ખોદકામ દરમિયાન પાઈપલાઈનમાં ભંગાણ સર્જી દેવામાં આવ્યું હોવાનું સામે આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્યો છે.