પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં છ પ્રશ્નો રજૂ થયાં
રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના અન ઉકેલ અને પ્રજાકીય પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે અને અરજદારો પોતાના પ્રશ્નો રજુ કરી શકે એ માટે જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરના અદયક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે દર સોમવારે યોજાતા લોક દરબાર અન્વયે આજ સોમવારે જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.
આજના આ લોક દરબારમાં રજુકર્તાઓ દ્વારા છ જેટલાં પ્રશ્નો રજુ થયા હતા ત્યારે જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદરે અબતક ને જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત વિસ્તારના પ્રજાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે અને આ માટે જિલ્લા પંચાયતની સમગ્ર ટિમ સક્રિય રીતે કાર્ય કરી રહેલ છે.
આજે યોજાયેલા આ લોક દરબારમાં સિંચાઈ શાખાને લગત પાનેલિયા ડેમ રીપેરીંગ તથા તળાવમાં કૂવો બનાવવા બાબતે કોટડા ભાડેરના શિવાભાઈ વાસાણીએ અને ખોરાણાથી કણકોટ ગામ સુધી રસ્તો સ્ટેટ હાઇવેમાં સમાવવા અગાભી પીપલીયાના સરપંચએ પ્રશ્ન રજૂ કર્યો હતો. બળધોય ગામે પેટા આરોગ્ય કેન્દ્ર માટે મકાન બનાવવા બાબતે પરેશભાઈ રાદડિયાએ, સિંચાઈ તેમજ પાણીના સંગ્રહ બાબતે વિરનગર ગામે ચેક ડેમ તથા કેનાલ સાફ કરવા બાબતે પરેશભાઈ રાદડિયાએ અને શાપર મેઈન રોડ પર મામાદેવના મંદિર પાસે પુલ બનાવવા બાબતે ગીતાબેન ટીલાળાએ અને કોટડા તાલુકાના શાપર ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા બાબતે ગીતાબેન ટીલાળાએ લગત શાખામાં રજુઆત કરાઈ હતી
ઉપસ્થિત આ છ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જેતે શાખા અધિકારીઓને સૂચનાઓ અપાઈ હોવાનું પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું. આજે યોજાયેલ આ લોક દરબારમાં પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપ પ્રમુખ સવિતાબેન નાથાભાઇ વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ રેવતુભા જાડેજા, પી.જી.ક્યાડા, વિરલ પ્રફુલ્લભાઈ પનારા, ધર્મેન્દ્રભાઈ ટીલારા, પરેશભાઈ રાદડિયા, મોહનભાઇ ભાણાભાઈ દાફડા, ભીખાભાઇ બાબરીયા, રાજેશભાઇ લખુભાઈ ડાંગર, મુકેશભાઈ તોગડીયા, સુમાબેન લુણાગરિયા વિગેરે પદાધિકારીઓ હાજર રહયા હતા.