ધોરણ 12નું પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કર્યા બાદ લેખિત પરીક્ષાની ત્યારી કરવામાં આવશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધો.12ના વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તો તેમની પરીક્ષા 15 ઓગસ્ટથી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો.12નું પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરાયા બાદ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરીક્ષાની તક મળે તે માટે ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મધ્ય સુધીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા યોજાયા બાદ તેનું જે પરિણામ આવશે તે પરિણામ જ વિદ્યાર્થીનું આખરી પરિણામ ગણાશે. આમ, પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.12ના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓગસ્ટથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ ધો.12ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવનાર હોવાની પણ જાહેરાત બોર્ડ દ્વારા કરાઈ છે. પરિણામ જાહેર થયા બાદ મૂલ્યાંકન અને પરિણામથી જે વિદ્યાર્થીઓને અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટના મધ્યથી લઈ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ પોતાનું પરિણામ સુધારી શકશે.
CBSE બોર્ડ દ્વારા 17 જૂનના રોજ ધો.12ના પરિણામ માટે મૂલ્યાંકનની માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્વિકાર કરવામાં આવ્યો હતો. બોર્ડ દ્વારા ધો.12ના પરિણામ તૈયાર કરવા માટે ધો.10ની પરીક્ષાના 30 ટકા, ધો.11ની પરીક્ષાના 30 ટકા અને ધો.12ના 40 ટકા વેઈટેજના આધારે પરિણામ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જુલાઈના અંત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.
બોર્ડ દ્વારા ધો.12ના પરિણામ તૈયાર કરવા માટેના મૂલ્યાંકન માપદંડો પર પણ એક વિવાદ સમાધાન સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગુણને લઈને તેમની ફરિયાદોનું નિરાકરણ કરશે. ઉપરાંત જો વિદ્યાર્થી પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો આવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક મળશે.