- પીજીવીસીએલના કોન્ટ્રાકટરો લડતના માર્ગે : સાંજથી બેમુદતી હડતાલની ચીમકી
અંદાજે 500 કોન્ટ્રાકટરો બપોરે કોર્પોરેટ ઓફીસે એકત્રિત થઈ સુત્રોચ્ચાર-દેખાવો સાથે એમડીને આવેદન પાઠવશે, જો માંગણી નહિ સંતોષાય તો સાંજે 6 થી હડતાલ શરૂ કરવાનું એલાન, રીપેરીંગ કામ ટલ્લે ચડે તેવી ભીતિ
પીજીવીસીએલના કોન્ટ્રાકટરોએ વિવિધ પ્રકારની કામગીરીના ભાવ વધારાને લઈને આજથી લડત આપવાનું શરૂ કરવાનું નકકી કર્યું છે. બપોરે 4 વાગ્યે 400 થી 500 જેટલા રજીસ્ટર્ડ કોન્ટ્રાકટરો-સુત્રોચ્ચાર દેખાવો સાથે કોર્પોરેટ ઓફીસ-નાનામવા મેઇન રોડ સામે એકઠા થઇ એમ.ડી.ને આવેદનપત્ર પાઠવી આંદોલનની જાહેરાત કરશે. અને સાંજે 6 સુધીમાં નિવેડો નહીં આવે તો સાંજે 6 વાગ્યાથી બેમુદતી હડતાલ પર ઉતરી જવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે
કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું કે, અમારા સંગઠન દ્વારા વર્ષ ર0રર થી સતત લેખિત તથા મૌખિક રજુઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે, તેમાં ખાસ કરીને એમ.જી.વી.સી.એલ.માં અમારા કરતા 40 ટકા વધારે ભાવો હોઇ, તે મુજબનો ભાવ વધારો આપવા રજુઆતો કરી છે.
જણાવવાનું કે, ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાત દિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રીસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારૂ રીતે કરી આપનાર કોન્ટ્રાકટર મિત્રોને તેમની વ્યાજબફી રજુઆત છતાં ભાવ-વધારો કરી આપવામાં આવેલ ન હોઇ, સતત અમારા સંગઠનના સભ્યોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહેલ છે
રાજકોટ મુકામે મળેલ મીટીંગમાં તમામ સભ્યો દ્વારા એવી લાગણીને માંગણી રજુ કરેલ છે કે, જેમાં લાઇનકામ, વ્હીકલ હાયરીંગ, રીપ્લેસમેન્ટ ઓફ ફેઇલ ટી.સી., ફેબ્રીકેશન લોડીંગ અન લોડીંગ વિગેરે જાતની કામગીરી આજે તા. 11/11/2024ના સોમવાર સાંજે 06-00 વાગ્યા બાદ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ફરજ પડશે અને આ હડતાલથી જે કોઇ પરિસ્થિતિ નિર્માણ થશે. તેની સઘળી જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેમજ જયાં સુધી ઉપર દર્શાવ્યા મુજબની તમામ માંગણીઓ પુર્ણ કરીને એમ.વી.સી.એલ.માં જે પ્રકારના ભાવો આપવામાં આવે છે, તે મુજબનો ભાવ-વધારો કરી આપવામાં નહિ આવે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે.આગેવાનોએ જણાવેલ કે દિવાળી પૂર્વે તંત્ર દ્વારા સરેરાશ 11 ટકાનો ભાવ વધારો મંજુર કરાયો પરંતુ તે ઘણો ઓછો છે, આથી અમે ફગાવી દીધો છે, મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવો સામે 35 ટકા ભાવો અમને ઓછા છે, આજે બપોર બાદ 400 થી 500 કોન્ટ્રાકટરો ઉપટી પડશે અને જો માંગણી નહિ સ્વીકારાય તો સાંજથી બેમુદત હડતાલ પાડી, ટીસી રીપ્લેસમેન્ટ, લાઇનકામ, અન્ય ઇમરજન્સી કામગીરી બંધ કરી દેવાશે.