પારસધામ ગિરનારના આંગણે માસક્ષમણ તપ અનુમોદના અવસર
તપધર્મની અનુમોદનાના ઉત્કૃષ્ટ બીજ વાવીને ભવિષ્યમાં સ્વયંની તપશ્ચર્યાનું વૃક્ષ સર્જી લેવાના પરમ હિતકારી સંદેશ સાથે ગિરનારની ધરા પર નવનિર્મિત પારસધામના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે માસક્ષમણ તપની આરાધના કરનારા પૂજનીય સંત-સતીજીઓના તપ અનુમોદના અવસર, અનેક આત્મા માટે ભાવિના તપસ્વી બનવા માટેનો એક પ્રેરક અવસર બન્યો હતો.
છેલ્લા 29 દિવસથી આહારના ત્યાગ સાથેની માસક્ષમણ તપની આરાધનાને પૂર્ણતા તરફ આગળ વધારી રહેલા તપસ્વી નવદીક્ષિત પૂજ્ય શ્રી પરમ સોહમમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પરમ અનન્યાજી મહાસતીજી, નવદીક્ષિત પૂજ્ય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી તેમજ નવદીક્ષિત પૂજ્ય શ્રી પરમ જિનેષાજી મહાસતીજીની ઉગ્ર તપ સાધનાના અનુમોદના અવસરે ન માત્ર જૂનાગઢના ભાવિકો પરંતુ સમગ્ર મુંબઈ – કોલકાતા અને સૌરાષ્ટ્રથી આવેલા અનેક ભાવિકો ઉપરાંત લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો અહોભાવ સાથે જોડાઈ ગયા હતા અને તપસ્વી આત્માઓની ભાવભીની અનુમોદના કરીને ધન્ય બન્યા હતા. તપસ્વીની તપશ્ચર્યા પ્રત્યે પૂર્ણ અસ્તિત્વથી પ્રસન્ન થઈ જવું, ખુશ થઈ જવું, તેવા મોદન અને અનુમોદનનું મહત્વ સમજાવતા આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે આજના જેવા ભાવ હોય એવા જ ભવિષ્યનું સર્જન થઈ જતું હોય છે. આજે હૃદયથી તપધર્મ અને તપશ્ચર્યાની અનુમોદના કરનારા આવતીકાલે અવશ્યમેવ સ્વયં તપસ્વી બની જતાં હોય છે. આજે ભાવથી કરેલી તપની અનુમોદના આવતીકાલે સ્વંયની તપશ્ચર્યા માટેની અનુકૂળતા બની જતી હોય છે. તપશ્ચર્યાની દિલથી અનુમોદના કરનારાની સ્વંયની સાધના કદી અધવચ્ચેથી બ્રેક ન થાય અને સહજતાથી તપશ્ચર્યા થઈ જાય એવા ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થઈ જાય છે. આપણાથી થાય એટલી તપ સાધનાની અનુમોદના કરવી જોઈએ પરંતુ કદી કોઈને સાધનામાં અંતરાય ન આપીએ.
પરમ ગુરુદેવના આવા પ્રેરકબોધ વચનો સાથે ઉપસ્થિત સહુ ભાવિકોએ અત્યંત ભક્તિભીની સ્તવના અને કીર્તના સાથે મન મૂકીને તપસ્વી સંત-સતીજીઓની અનુમોદના કરતા સર્વત્ર તપધર્મનો જય-જયકાર ગૂંજી ઉઠ્યો હતો.વિશેષમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી દોઢ વર્ષ પહેલા દીક્ષા અંગિકાર કરનાર 22 વર્ષીય મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજી છેલ્લા દસ – દસ મહિનાથી 285 ઉપવાસ સાથેની ઉગ્રાતિઉગ્ર એવી મુક્તાવલી મહાતપની આરાધનાની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે તેમની આ મહાઅનુમોદનીય તપ સાધનાના પારણા અવસરે 29વિં ઓગસ્ટ, 2023ના દિને તપોત્સવનું આયોજન પારસધામ- ગિરનારના આંગણે કરવામાં આવ્યું છે.તપસ્વી મહાસતીજીના તપની અનુમોદના સ્વરૂપ આ અવસરે 22 દિવસના અનુમોદના તપમાં જોડાવવાની પ્રેરણા સાથે 26વિં થી 28વિં ઓગસ્ટ, 2023 ત્રણ દિવસની તપ મૌન સાધના શિબિરનું આયોજન પારસધામ ગિરનારના આંગણે કરવામાં આવ્યું છે. એ સાથે જ આગામી દિવસોમાં 12વિં સપ્ટેમ્બર થી 19વિં સપ્ટેમ્બર સુધી પધારી રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના 8 દિવસ દરમિયાન અનેકવિધ આત્મહિતકારી કાર્યક્રમો પારસધામ યોજાશે. આવી મહાન તપ સાધના કરનારા તપસ્વી મહાસતીજીની અનુમોદના કરવા તેમજ આગામી દરેક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ – કાંકરીયા પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેક કાર્યક્રમ પારસધામ, રૂપાયતન રોડ, ભવનાથ, જુનાગઢમાં આયોજિત કરવામાં આવ્યા છે.