જિલ્લાના 7 તાલુકાઓમાં આધારકાર્ડની કામગીરી બંધ લોકોએ છેક સુરેન્દ્રનગર ખાવા પડે છે ધક્કા
સુરેન્દ્રનગર જિલ્લામાં અરજદારો જરૂરી એવા આધારકાર્ડ કઢાવવા માટે નિરાધાર બન્યા છે. જિલ્લાના 7 તાલુકાઓમાં હાલ આધારકાર્ડની કામગીરી બંધ છે. આથી આ તાલુકાઓના લોકોને સુરેન્દ્રનગર ધક્કો ખાવો પડે છે. સુરેન્દ્રનગરમાં પણ માત્ર જુની નગરપાલિકા એક જ સ્થળે આ કામગીરી થતી હોવાથી લોકો વહેલી સવારથી લાઈનો લગાવે છે. જિલ્લાના 6 તાલુકાઓમાં આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરને સસ્પેન્ડ કરાયા છે જયારે એક ઓપરેટરે રાજીનામુ ધરી દેતા હાલ અરજદારોની દશા માઠી બેઠી છે.
કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવ્યુ છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ખોરંભે પડતા અરજદારો નિરાધાર હોય તેવી સ્થિતિ અનુભવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકા મથકે અને સુરેન્દ્રનગર શહેરમાં અગાઉ આધારકાર્ડની કામગીરી થતી હતી. પરંતુ અમુક આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરોની ક્ષતીના લીધે બેંગ્લોરથી જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ, થાન, સાયલા, મૂળી અને લીંબડી તાલુકાના ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આથી આ તાલુકાઓમાં આધારકાર્ડની કામગીરી અટકી પડી છે.
જયારે લખતર તાલુકાના આધારકાર્ડના ઓપરેટરે રાજીનામુ ધરી દીધુ છે. આથી આ તમામ 7 તાલુકાના અરજદારોને સુરેન્દ્રનગર ધક્કો ખાવો પડે છે. કામ ધંધો છોડીને વહેલી સવારથી અરજદારો પોતાના બાળકોના નવા આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડમાં નામ, અટક, સરનામામાં સુધારો કરવા, મોબાઈલ નંબર બદલવા જેવી કામગીરી માટે સુરેન્દ્રનગર આવી જાય છે.
સુરેન્દ્રનગરની જુની નગરપાલિકાની ઈમારતમાં કાર્યરત કેન્દ્રમાં દરરોજ 30 આધારકાર્ડ કાઢવાની ક્ષમતા હોય છે. જેની સામે 150 થી 200 જેટલા અરજદારો આવી જાય છે. ત્યારે જિલ્લાના દરેક તાલુકાઓમાં આધારકાર્ડ કાઢવાની શરૂઆત કરાય તેવી લોકમાંગ ઉઠી છે. જિલ્લાના ચોટીલા, ચુડા અને પાટડી તાલુકાઓમાં જ હાલ આધારકાર્ડની કામગીરી થાય છે.