પીલર માટે ખોદકામ વેળાએ ઠાકર હોટલ પાસે ૧૬૦૦ એમ.એમ. ડાયાની અને આઈપી મિશન સ્કૂલ પાસે ૧૨૦૦ એમ.એમ.ડાયાની પાઈપ લાઈન મળતા હવે લાઈન શિફટીંગ માટે બ્રિજનું કામ એક મહિનો ટલ્લે ચડશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેર સિવિલ હોસ્પિટલ ખાતે ૮૨ કરોડના ખર્ચે ટ્રાયેંગલ ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગત નવેમ્બર માસમાં આ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ૧૧ મહિનો જેટલો લાંબો સમય વીતી ગયા હોવા છતાં બ્રિજના નિર્માણ કામમાં જોઈએ તેટલી પ્રગતિ જોવા મળી નથી. દરમિયાન વધુ એક વખત કામ સામે વિઘ્ન આવ્યું છે. જવાહર રોડ અને કેશરી હિંદ પુલ પર બ્રિજ માટે પીલર નાખવા ખોદકામ વેળાએ જમીનમાં ઉંડે ડ્રેનેજની મહાકાય લાઈનો મળી આવતા વધુ એક વખત બ્રિજનું નિર્માણ કામ ટલ્લે ચડે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેંગલ ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ૧૧ માસથી ચાલી રહ્યું છે. પરંતુ આ બ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત ન જાણે ક્યાં ચોઘડીયે શરૂ કરવામાં આવ્યું હોય તે નિર્માણ કામમાં એક પછી એક વિઘ્ન સતત સામે આવી રહ્યાં છે. લોકડાઉનના કારણે બે મહિના કામ સદંતર બંધ રહ્યું હતું. ત્યારબાદ ચોમાસાની સીઝનમાં વરસાદમાં બ્રિજના નિર્માણ કામ પર અસર પડી હતી. દરમિયાન તાજેતરમાં જવાહર રોડ પર અને કેશરી હિંદ પુલ પર બ્રિજ માટે પીલર ઉભા કરવા જમીનમાં ઉંડે સુધી ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જવાહર રોડ પર ઠાકર હોટલ પાસે ભાવેશ મેડીકલ સ્ટોરની નજીક ડ્રેનેજની ૧૬૦૦ એમ.એમ. ડાયાની એટલે કે ૬ ફૂટ પહોળી મહાકાય ડ્રેનેજ લાઈન જમીનની અંદર હોવાનું માલુમ પડ્યું હતું. ડ્રેનેજની આ લાઈન જવાહર રોડથી જામનગર રોડ તરફ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઉપરાંત કેશરી હિંદ પુલ પર આઈપી મિશન સ્કૂલ પાસે પણ જમીનની અંદર ઉંડે આશરે ૧૫ ફૂટ ઉંડાઈએ ૧૨૦૦ એમ.એમ.ની ડ્રેનેજની લાઈન હોવાનું માલુમ પડ્યું હતું. આ લાઈન બેડીનાકાથી પોપટપરા તરફ જતી હતી. મહાપાલિકાના ઈજનેરો પાસે ડ્રેનેજ લાઈનના નકશા ઉપલબ્ધ ન હોવાના કારણે ખોદકામ દરમિયાન ડ્રેનેજ લાઈન કે પાણીની લાઈન ક્યાં છે તે માલુમ પડે છે. અગાઉ સિવિલ હોસ્પિટલના નિર્માણ કામ માટે ટ્રેલીફોન લાઈન, ઈલેકટ્રીક લાઈન, ગેસ લાઈન, પાણીની લાઈન અને નાની ડ્રેનજની લાઈનનું શીફટીંગ કરવામાં આવ્યું હતું.
પીલરના કામ માટે ખોદકામ વેળાએ જવાહર રોડ અને કેશરી હિંદ રોડ પર બે સ્થળે ડ્રેનેજની મુખ્ય લાઈન મળી આવતા ફરી એક વખત બ્રિજનું નિર્માણકામ ટલ્લેચડે તેવી શકયતા વર્તાઈ રહી છે. કારણ કે, આ બન્ને લાઈનોના શીફટીંગ માટે એક સાઈડ રોડ બંધ કરવો પડશે અને શીફટીંગનું કામ ૨૦ દિવસથી લઈ ૧ મહિના સુધી ચાલશે જેના કારણે બ્રિજનું અન્ય કોઈ કામ હાથ ધરી શકાશે નહીં. સિવિલ હોસ્પિટલ ચોકના નિર્માણ કામમાં એક પછી એક વિઘ્ન નડી રહ્યાં છે. હજુ તો મિલકત કપાતની મુશ્કેલીઓ પણ સંપૂર્ણપણે હલ થઈ નથી ત્યાં અલગ અલગ બીજા વિઘ્નો આવી રહ્યાં છે.