લાંચના ગુનામાં ઝડપાયો ત્યારે તેની પાસેથી રૂ.૧.૮૦ લાખ રોકડા મળ્યા’તા
જામનગર માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર લાંચ લેતા ઝડપાયો ત્યારે તેના ટેબલના ખાનામાંથી રૂ ૧.૮૦ લાખ રોકડા મળી આવતા એસીબીએ અપ્રમાણસરની મિલકત અંગેનો ગુનો નોંધી ધરપકડ બાદ જેલ હવાલે કરતા તેને જામીન પર છુટવા કરેલી અરજી અદાલતે નામંજુર કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢના વતની અને જામનગર ખાતે માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા ભૂપત જેસા ચાવડાની રૂ. ૨૫ હજારની લાંચ લેતા ગત તા.૧૦-૧૦-૧૬ના એસીબી સ્ટાફે ધરપકડ કરી હતી.
કાર્યપાલક ઇજનેર ભૂપત ચાવડાના ટેબલના ખાનામાંથી રૂ. ૧.૮૦ લાખની રોકડ મળી આવી હતી તે અંગે તેઓ સંતોષકારક જવાબ આપી ન શકતા તેની સામે અપ્રમાણસરની મિલકત અંગે ગત તા.૧૮-૧૦-૧૭ના રોજ અલગથી નોંધવામાં આવ્યો હતો.
કાર્યપાલક ઇજનેર ફરાર થઇ જતા એસીબી સ્ટાફે કોર્ટમાં અરજી આપી ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરતા ભૂપત ચાવડા પોતાની મિલકત એસીબી સ્ટાફ ટાચમાં લેશે તેવી દહેશતે આગોતરા જામીન માટે અરજી કરી હતી. અદાલતે આગોતરા જામીન અરજી રદ થતા તેઓ એસીબી સમક્ષ હાજર થતા તા.૨૦-૨-૧૮ના રોજ હાજર થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલ હવાલે થયેલા કાર્યપાલક ઇજનેર ભૂપત ચાવડાએ જામીન પર છુટવા કરેલી અરજી જામનગર સેસન્શ કોર્ટે ફગાવી દીધી છે.