બીપીએમસી એકટની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવા જનરલ બોર્ડમાં ઠરાવ
વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા જનરલ બોર્ડમાં સતત ત્રણ બેઠકમાં રજા રીપોર્ટ મુકયા વિના ગેરહાજર રહેતા તેઓને ગેરલાયક ઠેરવવાનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. બીપીએમસી એકટની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવા આજે જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો છે. દરમિયાન ધર્મિષ્ઠાબા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહ્યા હોવાની જાણ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજય ચુંટણીપંચને કરી દેવામાં આવી છે.
વોર્ડ નં.૧૮ના કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ડિસ્કવોલીફાઈડ કરવાનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. કોર્પોરેશને ડિસ્કવોલીફાઈ કરવા માટેની પ્રક્રિયા હાથ ધર્યા બાદ ધર્મિષ્ઠાબાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા દરમિયાન હાઈકોર્ટે તેઓની રીટ પીટીશન ફગાવી દીધી હતી અને એવી ટકોર કરી હતી કે આ મામલે નીચલી કોર્ટમાં બીપીએમસી એકટની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવી. આ કલમમાં કોઈ કાઉન્સીલર કલમ-૧૧ મુજબ હોદો ધરાવતો બંધ થયો છે કે કેમ ? તે વિશે કંઈ પણ શંકા અથવા તકરાર ઉભી થાય તો એવા કાઉન્સીલર અથવા બીજા કોઈપણ કાઉન્સીલર તે પ્રશ્ન ના નિર્ણય માટે ન્યાયધીશને મોકલી શકે છે. કોર્પોરેશનની વિનંતી ઉપરથી કમિશનર તે પ્રશ્ન ન્યાયાધીશને નિર્ણય કરવા માટે મોકલી શકે છે. પેટાકલમ (૧) મુજબ ન્યાયાધીશને પ્રશ્ર્ન નિર્ણય માટે મોકલવામાં આવે એટલે આ અધિનિયમથી અથવા તે મુજબ ઠરાવેલી રીતે ચોકસાઈ કર્યા પછી કાઉન્સીલ હોદો ધરાવતો બંધ થાય છે એવો નિર્ણય ન્યાયાધીશ ન કરે ત્યાં સુધી તે ગેરલાયક થયા છે એમ ગણી શકાય નહીં.
હાઈકોર્ટની ટકોર બાદ લીગલ અભિપ્રાય લીધા પછી કોર્પોરેશને આજે ખાસ બોર્ડમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકી હતી જેમાં ધર્મિષ્ઠાબા જાડેજા સામે ગેરલાયક ઠેરવવાના મામલે હવે બીપીએમસી એકટની કલમ ૧૨ મુજબ કોર્ટમાં કાર્યવાહી કરવા માટેનો ઠરાવ કરાયો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ચુંટણીપંચને એવી જાણ કરવામાં આવી છે કે ધર્મિષ્ઠાબા જાડેજા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેવાના કારણે તેઓની સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઈપણ નગરસેવક ત્રણ પ્રકારે ગેરલાયક ઠરી શકે છે.
જેમાં પ્રથમ જે કોઈ ગુનામાં સામેલ હોય, બે થી વધુ બાળકો હોય અને નંબર ત્રણમાં તે સતત ગેરહાજર રહેતા હોય આવા કિસ્સામાં તે ફેર ચુંટણી લડી ન શકે તેવું બનતું નથી. ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા માટેની કાર્યવાહી હાથ ધરાયા બાદ તેઓને કોર્પોરેટર તરીકે મળતું માનદ વેતન સહિતના ભથ્થા બંધ કરી દેવામાં આવ્યા છે.