વેપારીઓ અને મજુરો વચ્ચે વિવાદનો ઉકેલ ન થાય ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય
બેડી ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડમાં આજે ઘઉંની હરાજી ઠપ્પ થઈ ગઈ હતી. જેમાં અગાઉ પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. અગાઉ પણ મજુરોના વેતનને લઈને આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું હતું અને આજે ફરી એકવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હરાજી ઠપ્પ થવા પાછળનું કારણ એ છે કે, મજુરોના વેતન બાબતે વેપારીઓને નુકસાની થઈ રહી છે અને જો વેતન ઘટાડવામાં આવે તો મજુરોને સમસ્યા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેથી આજે આ સમસ્યાના કારણે ઘઉંની હરાજી બંધ કરાઈ છે.
હાલ ઘઉંના આવકની સીઝન ન હોવાથી આવક ૫૦૦-૬૦૦ ગુણીની થઈ રહી છે પરંતુ સીઝનમાં આ આંકડો લાખોમાં પણ પહોંચે છે. જેથી આ સમસ્યાનું નિવારણ લાવવું જરૂરી બન્યું છે.
આ વિશે રાજકોટ મા.યાર્ડ કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત ૧૧ વર્ષથી ઘઉંના દરેક કટ્ટા પર મજુરોને એકસ્ટ્રા રૂ.૩ ચુકવવાના હોય છે. જે ખુબ જુની પ્રથા છે. પરંતુ હાલ મોંઘવારી વધતાં વેપારીઓનું કહેવું છે કે દરેક ગુણી ઉપર અમારે રૂ.૬ વધારાના મજુરોને ચુકવવા પડે છે જે ખર્ચ હવે અમને પોષાય તેમ નથી જેથી હવે અમે મજુરને તેટલું વેતન નહીં આપી શકીએ અને જો જરૂર જણાશે તો અમે વે-બ્રીજ કરાવતા જઈશું અને ઉલ્લેખનીય છે કે આ બાબતે ગત તા.૨૭ નવેમ્બરના રોજ મજુરો અને વેપારીઓની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં નિવેડો પણ આવ્યો હતો.
બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હવે વેપારીઓ મજુરને રૂ.૧.૬૭ ચુકવશે જેમાં મજુરોએ પણ હા પાડી હતી અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારે ફરીવાર મજુરોએ વિરોધ કર્યો હતો. જેના કારણે વેપારીઓએ ઘઉંની ખરીદી કરવાની ના પાડતા બેડી યાર્ડ ખાતે ઘઉંની હરાજી ઠપ્પ થઈ હતી.
આ સમસ્યાના નિરાકરણ વિશે અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજકોટ મા.યાર્ડના સત્તાધીશોની હાજરીમાં વેપારીઓ અને મજુરોની બેઠક બોલાવામાં આવશે અને વેપારીઓ તથા મજુરોને તકલીફ ન થાય તેવો નિર્ણય કરવામાં આવશે.