વિવિધ યોજનાના લાભ આપવા માટે સરકાર આજે આપણા ઘર સુધી આવી છે: બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા
રાજ્યભરમાં આજે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વેરાવળ તાલુકાના ઉંબા પ્રા.શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૬૭૫ વ્યક્તિલક્ષી પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.
રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરી છે. જે અન્વયે આજે ઉંબા મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી જુદા-જુદા ૧૯ વિભાગની ૫૫ જેટલી વ્યક્તિલક્ષી સેવાનો સ્થળ પર લાભ આપવામાં આવે છે. વિવિધ યોજનાનો લાભ આપવા માટે સરકાર આજે આપણા ઘર સુધી આવી છે. આ સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરાયો હતો. પુર્વમંત્રી જશાભાઈ બારડે કહ્યું કે, સેવાસેતુ કાર્યક્રમથી લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો એક જ સ્થળ પર તરત નિકાલ કરવામાં આવે છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં અંત્યોદય રેશનકાર્ડ ધારક બબીબેન સોલંકી, મણીબેન સોલંકી, ચંદ્રીકાબેન રાઠોડ, ગંગાબેન રાઠોડ અને રાજીબેન ચાંદડા સહિતના લાભાર્થીઓને પ્રેસર કુકર, મેમુદાબેન પરમાર, લાખીબેન બામણીયા, હંસાબેન મકવાણાને વિધવા સહાય મંજુરી પત્રો, ભીનીબેન સોલંકી, ગોપાલબેન બામરોટીયાને ડુપ્લીકેટ રેશનકાર્ડ અને દેવશીભાઈ બામરોટીયાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મહાનુભાવો ના હસ્તે અર્પણ કરાયું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં ઉંબા, ઈણાજ, આંબલીયાળા, તાંતીવેલા, ડાભોર અને છાત્રોડા સહિત છ ગામના લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નો જેવાકે રેશનકાર્ડમા સુધારો-વધારો, આધારકાર્ડ નોંધણી, જન્મ-મરણ પ્રમાણપત્રનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.