ગાંધી જયંતિ અન્વયે સંઘન સફાઈ અભિયાન; 16 સપ્ટેમ્બરે શરૂ થયેલા સ્વચ્છતા પખવાડિયાની પુર્ણાંહુતિ
રાજકોટ રેલવે મંડળ દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃતી આવે તે માટે 16 સપ્ટેમ્બરથી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યુંં હતુ જે આજે 2 ઓકટોબરના ગાંધી જન્મજયંતિના દિવસે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ગાંધી જયંતિના અવસરે રાજકોટ રેલવે ડીઆરએમ અનિલકુમાર જૈનના નેતૃત્વમા રેલ કર્મચારીઓ, અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.
આ તકે રાજકોટ રેલવે સ્ટેશન પર પાર્કિંગ એરિયા, પાર્કિંગ સ્ટેન્ડ, મેઈન ગેઈટ સામે, પાર્સલ તથા રિસર્વેશન ઓફિસની આજુબાજુની જગ્યાઓ પર સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ કાર્યમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપૂરના કોર્ડિનેટર હર્ષદભાઈ અદાણી સહિત 50 જેટલા સદસ્યોએ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમા જોડાયા હતા. ડી.આર.એમ અનિલ કુમાર જૈનએ રાજકોટ સ્ટેશન પર યાત્રિકોને ઈકો ફ્રેન્ડલી બેગ આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી.
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ડીઆરએમ અનિલકુમાર જૈનના દિશાનિર્દેશ અનુસાર ક્રમબધ્ધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રેલવે મંડળના સ્ટેશનો, રેલવે ટ્રેક, વિભાગના કાર્યાલયો, સ્ટેશન પ્રાંગણ અને આસપાસનાં વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યું હતુ.
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન રેલવે પરિસરમાંથી અંદાજે 39.54 ટન કચરો સાફ કરવામા આવ્યો હતો. જેમાં 22.12 ટન સૂકો કચરો, 15.40 ટન ભીનો કચરો તથા 2.02 ટન પ્લાસ્ટિક કચરોનો સમાવેશ થાય છે. આ દરમિયાન 3105214 સ્કવેર મીટર એરિયાની સફાઈ કરવામાં આવી હતી.