22 દંપતીઓનું લગ્ન જીવન તુટતું બચ્યું
ગૃહકંકાસ, દહેજ તથા ઘરેલું હિંસા, અનૈતિક સંબંધો, બાળલગ્ન, શરાબનું વ્યસન, આર્થિક સંકડામણ, અપહરણ વગેરે જેવા પ્રશ્નોનું હકારાત્મક નિકાલ લાવવા માટે વેરાવળ ખાતે કાર્યરત કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા 37 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 22 જેટલા દામ્પત્તીના કેસોનું સુખદ સમાધાન કરીને પતિ-પત્નીનું લગ્નજીવન તૂટતા બચાવવામાં આવ્યું છે. કુટુંબ સલાહ કેન્દ્ર, વેરાવળ ખાતે વર્ષ 2021-22માં એપ્રિલ-2021 થી સપ્ટેમ્બર-2021 સુધીના છ માસ દરમ્યાન કુલ 7પ કેસો નોંધાયેલા હતા.
જેમાંથી 37 કેસોનો નિકાલ કરાયો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવનાં 22 કેસોમાં સુખદ સમાધાન થયેલ છે. 3 કેસોમાં પક્ષકારને નામદાર કોર્ટમાં જવા સલાહ આપવામાં આવી છે. તેમજ ગંભીર પ્રકારના 3 કેસોમાં છૂટાછેડા તેમજ 1 કેસમાં અન્ય શહેરમાં ચાલતા કુટુંબ સલાહ કેન્દ્રમાં તબદીલ કરવામાં આવેલ અને 7 કેસોમાં પોલીસ મદદ માટે પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે.
એક કેસમાં અરજદાર તરફથી સહકાર ન મળતા બંધ કરવામાં આવ્યો હતો.આ કેસોના નિકાલ માટે કુટુંબ સલાહ કેન્દ્ર, વેરાવળના કાઉન્સેલર હરસુખભાઈ બગીયા તથા ભારતીબેન મારૂ તેમજ સબ કમિટીનાં સભ્ય સુરેશભાઈ. પી.માવાણી (એડવોકેટ), હમીરભાઈ વાળા (એડવોકેટ), મહમદભાઈ સોરઠીયા, રાજેશભાઈ ઠકરાર, સરોજબેન દવે, ચેતનાબેન સંઘવી, રેખાબેન ગણાત્રાના સહકારથી સમાધાન થયેલા આ કેસોમાં દરેક પરિવારોનું જીવન ફરી સુખમય બન્યુ છે.
ગીર સોમનાથ જિલ્લામાં જે કોઈ પરિવારિક આવા પ્રશ્નો હોય તેઓએ કુટુંબ સલાહ કેન્દ્ર, કસ્તુરબા મહિલા મંડળ બિલ્ડીંગ, કલેકટર કચેરી રોડ, કૃષ્ણનગર, વેરાવળ ફોન ન. 028762 42579નો રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી શકે છે. તેમ જુનાગઢ જિલ્લા મહિલા મંડળના પ્રમુખ જાહન્વીબેન ઉપાધ્યાયની યાદીમાં જણાવાયું છે.