રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રાને ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચાવવા ભારે દબાણ: અનેક બેઠકો પર અસંતુષ્ટોની આફતને ખાળવા બેઠકોનો ધમધમાટ
અંતિમ ઘડી સુધી ફાઈનલ હોવા છતાં પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટની ફાળવણી કરવામાં ન આવતા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના અસંતુષ્ટ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ગઈકાલે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ ચકાસણીની કામગીરી ચાલી રહી છે. શુક્રવાર સુધીમાં ફોર્મ પાછા ખેંચવા પડશે. આવામાં જો અસંતુષ્ટો ફોર્મ પાછા નહીં ખેચે તો ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષ માટે મોટી આફત સર્જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ભાજપે મહાપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણીના નામની જાહેરાત કરી છે. આ બેઠક પરથી પૂર્વ ડે.મેયર અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રાએ પણ ફોર્મ ભરતા ભાજપના મતો તુટે તેવી ભીતિ ઉભી થવા પામી છે. માત્ર રાજકોટ પૂર્વ જ નહીં પરંતુ પ્રથમ તબકકામાં જે ૮૯ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવી અનેક બેઠકો ભાજપ અને કોંગ્રેસના સતાવાર ઉમેદવારો સાથે પક્ષમાંથી કપાયેલા અને અસંતુષ્ટ નેતાઓએ પણ ઉમેદવારી નોંધાવતા રોમાંચકતા વધી જવા પામી છે. આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી શ‚ થઈ ગઈ છે. જો શુક્રવાર સુધીમાં અસંતુષ્ટો પોતાના ઉમેદવારી ફોર્મ પાછા નહીં ખેંચે તો અમુક બેઠકો પર ભાજપને અને અમુક બેઠકો પર કોંગ્રેસને નુકસાની જવાની પ્રબળ સંભાવના જણાઈ રહી છે.રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર પૂર્વ ડે.મેયર વલ્લભભાઈ દુધાત્રાને ઉમેદવારી પાછી ખેંચાવવા માટે ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ જે-જે બેઠકો પર અસંતુષ્ટો સામા પડયા છે તેઓને મનાવી લેવા માટે હાલ ખાનગી રાહે બેઠકોનો ધમધમાટ શ‚ થઈ ગયો છે.