- મચ્છરજન્ય રોગો સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધુ બીમાર પડે છે : આ ઋતુમાં અનેક વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાતા ઘણા રોગને મોકળું મેદાન મળી જાય છે : આ ગાળામાં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધતા રોગચાળો વકરે છે
- રોગચાળો ફેલાય ત્યારે શું તકેદારી રાખવી જોઇએ
- પ્રવર્તમાન વરસાદી વાતાવરણમાં નાના બાળકોની વિશેષ દરકાર કરવી જોઈએ : આ ગાળામાં સૌથી વધુ ડેન્ગ્યુ સામે ચેતવાની જરૂર હોય છે
ચોમાસાની ઋતુ ડોક્ટરની સિઝન તરીકે ઓળખાય છે. ચોમાસા વરસાદની સાથે જ રોગચાળામાં પણ વધારો થતો જોવા મળે છે. આ સમય દરમિયાન ત્રણ પ્રકારે ફેલાતા રોગોનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળે છે, જેમાં દૂષિત પાણી કે ખોરાકથી ફેલાતા રોગો, પાણીમાં ઉછરતા મચ્છરોથી ફેલાતા રોગો અને હવામાં શ્વસન માર્ગે ફેલાતા ચેપી રોગો વિશેષ જોવા મળે છે, આ ઉપરાંત વધુ ભેજને કારણે ચામડી પર ફૂગના ચેપનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ ઋતુમાં એક સાથે આટલી બધી રીતે રોગોનો હુમલો થતા શહેર કે ગામોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. દરેક લોકોએ આ સિઝનમાં સ્વચ્છતા અને ખોરાકની બાબતે વિશેષ કાળજી લેવી જોઈએ, ખાસ તો પરિવારના નાના સંતાનોનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે.
ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણમાં કે વરસાદ રહ્યા બાદ ઘણા રોગો લોકોને ઝપેટમાં લેતા હોય છે. આમ જોઈએ દર વર્ષે ચોમાસુ વરસાદ સાથે ઘણા બધા રોગોને પણ લાવે છે. આ ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને લીધે કે પાણી ભરાવના કારણે ઘણા બધા રોગો થઈ શકે છે, જેમાંથી અમુક જીવલેણ રોગો પણ હોય છે, મુખ્ય રોગોમાં મેલેરિયા હોય છે જે એનોફિલીસ મચ્છરોથી ફેલાઈ છે. કોલેરાના બેક્ટેરિયા અશુદ્ધ ખોરાક અને પાણીમાં જોવા મળે છે, તેથી અસ્વચ્છતા અને ગંદગીભર્યા વાતાવરણમાં તે રોગ વધુ વકરે છે. આ ઋતુમાં ઝાડા, ઉલટી, તાવ, ટાઈફોડ, ડેન્ગ્યુ, મેલેરીયા અને ચામડીના રોગોની સમસ્યા વધુ જોવા મળે છે.
રોગનો ફેલાવો કરતાં વિવિધ માધ્યમો વિશે સૌએ જાણવાની જરૂર છે. સૌપ્રથમ તો હવા-પાણી, મળ, ખોરાક, માખી, કિટકો, પ્રાણીઓનો સંસર્ગ-માનવશરીર, રોગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. જેમાં રોગકારક સુક્ષ્મોજીવો અને માનવ સંસર્ગએ બે મુખ્ય બાબત સાથે આવા પરિબળો જોડાયેલ છે. આજે બધાએ રોગચાળો શું છે.? એ માહીતી આ લેખમાં પ્રસ્તુત કરી છે.
કેટલીક વખત કોઈ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં અચાનક અને અણધાર્યા કોઈ એક રોગના અસંખ્ય દર્દીઓ નોંધાય તેને રોગચાળો કહે છે. ઘણી વખત રોગચાળાના કારણે વધુ પડતા માંદગીના કેસો ઉપરાંત મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાની શકયતાઓ હોય છે. આવા સમયે વ્યકિગત ભૂમિકા અને લોક સહયોગ જરૂરી છે.
રોગચાળા સમયે જન સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોળાતો હોય ત્યારે રોગચાળાની પરિસ્થિતિને નિણંત્રણમાં લેવા માટે કયારેક શિક્ષાત્મક પગલા લેવાની જરૂર પડે છે. ત્યારે સહાયભુત થવા માટે સરકારને જેતે વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવો પડે છે. સામાન્ય જે તે વિસ્તારમાં રોગનો ઉપદ્રવ જે કારણસર થતો હોય તે કારણોને નિયંત્રણ કે નાબુદ કરવાનો લોક સહકાર અનિવાર્ય બની રહે છે.
આપણાં ગુજરાતના ઘણાં નગરો શહેરોમાં અવાર-નવાર કમળો ફાટી નીકળે છે.આવા વિસ્તારોની તપાસ કરતાં માલુમ પડયું કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું દુષિત પાણી પ્રવેશી જતાં રોગચાળો અવારનવાર ફાટી નીકળે છે. આ નિરાકરણ જુની સડી ગયેલ પાઈપલાઈન બદલતા તે મુશ્કેલી દુર થઈ હતી, આમા પણ લોકોએ વિરોધ કર્યોે કારણકે ગેરકાયદે લીધેલા કનેકશન કયાય જશેનાં ડરથી વિરોધ થયો હતો તેથી પણ આ સંજોગોમાં લોક સહકાર જરૂરી છે.
રોગચાળાની કે સામાન્ય પરિસ્થિતિમાં પણ ચેપીરોગનાં નિયંત્રણ અને અટકાયત માટે સહયોગ અત્યંત આવશ્યક છે.જેમાં પીવાના પાણીનો પુરતી સ્વચ્છા રાખવી, વહિવટીતંત્રની સુચનાઓનું પાલન કરવું સુકો ભિનો કચરો અલગ રાખી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો, ઘર-આંગણામાં માખી-મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી, વિવિધ રસી મુકવવી, જાહેર જળાશયો દુુષિત ન કરવા, જાહેર સ્થળોની સ્વચ્છતા, ખુલ્લામાં વેચાતા શાકભાજી, ફળો, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા, જાહેર સ્વચ્છતા સંકુલોની જાળવણી દુષિત ખોરાક કે પાણી જાણે -અજાણે પણ લેવાય તો ખોરાકી ઝેરની અસર, રોગચાળા દરમ્યાન જેતે રોગોનો ઉપદ્રવના ચિન્હો ફેલાવાનાં માર્ગોની જાણકારી મેળવવી, અને તેમાં નિયંત્રણ માટે પગલા ભરવા, રોગચાળા દરમ્યાન વધુ પડતી બિમારી, રોગ પ્રતિકારક શકિતનો ઘટાડો કરે છે. પરિણામે નબળાઈ આવવી સામાન્ય થઈ પડે છે. ઈમ્યુન સીસ્ટમ ઘટવાથી ક્ષય, ન્યુમોનીયા, જેવા રોગોનો ભોગ બનવાની શકયતાઓ વધે છે.આ માટે સૌની વ્યકિતગત ભૂમિકા મહત્વની રહે છે. રોગની અટકાયત માટે રોગકારક સુક્ષ્મ બનાવવી, તથા પર્યાવરણના દુષણને અંકુશમાં રાખવું.
ઈ.સ. 1948માં જીનીવા ખાતે આરોગ્ય વિષયક બાબતો માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની રચના કરાય હતી. દુનિયાના લોકોના શારિરીક-માનસિક આરોગ્યમાં સુધારો થાય પ્રયાસો થાય તે તેનું મુખ્ય કાર્ય છે.વિશ્ર્વમાં ચેપી અને ઘાતક રોગોની નાબુદી, મૃત્યુદરમાં ઘટાડો એમાં પણ ખાસ કરીને બાળમુત્યુમાં ઘટાડો થાય, લોકોમાં રોગ પ્રતિકાર ક્ષમતા વૃધ્ધી, તેમજ આરોગ્ય તબીબી શિક્ષણ,તાલિમ અને સંશોધન જેવી મહત્વની કામગીરી માટે આ સંસ્થા તેના સભ્ય દેશોના સહકારથી અસરકારક ભૂમિકા ભજવે છે.
આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમો
પરદેશમાં આવન જાવનનાં હેતુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિનિધિન વૃધ્ધી જોવા મળી રહી છે. આ સંજોગોમાં ચેપીરોગોનો ફેલાવો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમો અને ઉપાયો નકકી કરાયા છે. વિદેશ જવાની વિઝા મેળવવા જે તે દેશનાં નિયમ પ્રમાણે તબીબી તપાસ, ડો.સર્ટી રજૂ કરવા પડે છે.આફ્રિકાનાં દેશોમાં જવા યેલોફિવર વેકસીન મુકાવવું ફરજીયાત છે.પરદેશ જતી વ્યકિતઓને ખાદ્યસામગ્રી ખુલ્લી લઈ જવાની છુટ નથી.યોગ્ય રીતે ડબ્બામાં કે સીલબંધ પેકીંગ કરવું ફરજીયાત છે. પછી જ લઈ જવાની છુટ મળે છે. સ્વાસ્થ્ય સુરક્ષા કાજે વિમાન મથકે વિમાનનું ફયુમીગેશન કરાય છે.ખાસ પ્રકારના વાયુથી જીવાણું અને વિષાણું રહિત બનેલું વિમાન રોગને ફેલાતો અટકાવે છે. કેટલીકવાર મુસાફરી પુરી થતાં પહેલા ખબર પડે કે મુસાફરી કરનાર વ્યકિતને ચેપી રોગ છે, તો તે સંજોગોમાં તે મુસાફરને વિમાન મથકે અથવા જે તે દેશમાં ખાસ વ્યવસ્થા વાળી હોસ્પિટલમાં દાખલ કરાય છે.અને અમુક ચોકકસ ગાળા સુધી તેને તે દેશમાં દાખલ થવા દેતા નથી. આને કોરોંટાઈન સમયગાળો કહે છે. જુદા જુદા રોગો માટે આ સમય ગાળો અલગ-અલગ હોય છે.