આજથી ચાર-પાંચ દાયકા પહેલા આપણી જીવનશૈલી, ખોરાક, વસ્ત્રો વિગેરે સારૂ હતું, જેને કારણે લોકો રોગથી દૂર વધુ રહેતા હતા. આપણી જીવનશૈલી જ એટલી સારી હતી કે આપણે તંદુરસ્ત જીવન જીવી શકતા હતા. પ્રવર્તમાન યુગમાં વિદેશી કલ્ચરનાં આંધળા અનુકરણે આપણી સોના જેવી જીંદગી જીવનશૈલી બદલતા આપણે આપણાં જ પગમાં કુહાડો માર્યો છે. પહેલા લોકો બહારનું ખાતા જ નહી તો આજે રજાના દિવસોમાં 84 ટકા લોકો બહાર જમે છે. પહેલા જંક ફૂડ જેવું કશુ જ ન હોવાથી ભૂખ લાગે ત્યારે ઘરની વસ્તુંઓ ખાતા હતા.
આજે નાની વયના લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા સમાજને ચિંતા થવા લાગી છે, પણ હવે જુની જીવનશૈલીમાં ફરી ફીટ ન શકતા હોવાથી નિયમિત ચાલવા, જીમમાં કે વ્યસનથી દૂર રહેવા ફાંફાં મારી રહ્યા છીએ. એક વાત નક્કી છે કે આજના યુગમાં રોગમુક્ત રહેવા આપણી ગુજરાતી થાળી જ શ્રેષ્ઠ ગણાય છે. જીવનશૈલી બદલાતા નવા-નવા રોગો, સમસ્યા આવી જેમાં વાંક આપણો જ છે. આજે પણ સાત્વિક ખોરાક લઇને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. ગુજરાતની સંસ્કૃત્તિમાં ઋતું આધારિત ફળો, લીલા શાકભાજી વિગેરે ખાવા અને તે પ્રમાણે પરિવારનાં આયોજન હતા જ, પણ નવા યુગમાં આપણને એ ગમતું જ નથી.
આજથી ચાર-પાંચ દાયકા પહેલા જંક ફૂડ જેવું કશુ ન હતું, લોકો ઘરનો સાત્વીક ખોરાક લઇને તંદુરસ્ત રહેતા હતા: વિદેશી કલ્ચરના મોહે આપણી જીવનશૈલી બદલતા અનેક રોગોને આમંત્રણ આપ્યું: સાત્વિક ખોરાકનું આજે મહત્વ
વસ્ત્રો, રિત-ભાત, રહન-સહન, ભૌતિક સુવિધા સાથે આપણે ખોરાક બદલતા આજે નાની વયે હૃદ્ય રોગ વધ્યા: સુવા-ઉઠવાની બદલાયેલી સ્ટાઇલથી દરેક મા-બાપ ચિંતિત: આજે નાના બાળકો પણ આજ જીવનશૈલીમાં જીવતા હોવાથી સમાજને માટે લાલબત્તી
થાળી….થાળીમાં શ્રેષ્ઠ ભોજન થાળી એટલે ગુજરાતી થાળી. આપણા રૂટીન સાત્વિક અને પરંપરા મુજબનો ખોરાક એટલે રોટલી, શાક, દાળ-ભાત, દહીં, છાશ, અથાળું આવે છે, તો ઋતું પ્રમાણેના શાક સાથે કઠોળનો પણ સમાવેશ થાય છે. મીઠાઇ અને ફરસાણ સાથે ભળતા બપોર કે સાંજના ભોજનનો આનંદ આવી જાય છે. ઘરના પાપડ અને અથાણા તો લુખ્ખા ખાવાનીય મોજ પડે. આ બધું શ્રેષ્ઠ હતું, કારણ કે તે પોષ્ટિક હતું. બહુ ઓછી ભેળસેળ કે રોજેરોજનો તાજો અને ઘરનો ખોરાક હોવાથી તંદુરસ્તીને ફાયદો કરાવતો હતો, પણ આપણે આ સોના જેવી રીત-રસમો બદલીને ચાઇનીઝ, પંજાબી કે સાઉથ ઇન્ડીયન વાનગી તરફ દોટ મુકતા ઘણા રોગોને સામેથી આમંત્રણ આપી દીધું છે. પહેલા તો બચપણથી જ આજ ખોરાકની ટેવ પડતી હોવાથી મોટી ઉંમરે પણ આજ પધ્ધતિ અમલમાં રહેતા લોકો 70 કે 80 વર્ષ તંદુરસ્તી જીવનમાં જ કાઢી નાંખતા હતા.
આપણે ભણ્યા ન હોતા છતાં ખોરાકની બાબતમાં સારૂ જ્ઞાન ધરાવતા હતા, આજે શિક્ષણ લેવા છતાં ‘પોષ્ટિક’ આહારની ખબર હોવા છતાં આપણે લેતા નથી, લેવામાં પણ શરમ આવે છે. એકમાત્ર અનાજ, કઠોળનો સંગમ ધરાવતી વાનગી ખીચડી કોઇ ખાતુ નથી. આજે ભણતરમાં બધુ શીખવામાં આવતું હોવા છતાં, આપણને ભાન નથી પડતી. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો ગુડ ફુડ હેલીટની વાત કહે છે, પણ તેજ જંકફૂડ દાબવા લાગે છે. આજની ખોરાક પ્રત્યેની બદલાયેલી જીવનશૈલીથી ઘરનો વડિલ ચિંતાતુર છે. બગડતી જીવનશૈલીમાં એક દિવસ શું ખાવું ને શું ન ખાવું તેના સેમિનારો યોજાશે તેમાં બેમત નથી.
આજની જીવનશૈલી, મોબાઇલ દૂષણ, રીતભાતો જોતા આગામી વર્ષો આપણે ક્યાં હશુ તેની ચિંતા સૌને છે. દુનિયામાં 4 અબજથી વધુ લોકો માત્ર ત્રણ પાકનો મુખ્ય ખોરાક છે. આજે વિશ્ર્વમાં 7 હજાર કરતાં વધારે પાકો થાય છે, તે પૈકી 411 જ છે, જેની મોટા પાયે ખેતી થાય છે. આજે તો ચોખા, મકાઇ અને ઘઉં પર ચાર અબજ લોકો આધારિત છે, જો દુનિયાના પાકો પર તમે આધાર રાખો તો કેવી દશા થાય તે યુક્રેન યુધ્ધે સમજાવી દીધું છે. આયાત કરવું પડે તેના કરતાં નિકાશ કરવું પડે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. આજથી 27 વર્ષ પછી 2050માં આપણે શું ખોરાક લેતા હશું તેનો વિચાર કર્યો છે! જળવાયુ સંકટની જેમ ખાદ્ય સંકટ આવશે તેમાં બેમત નથી.
આજે વિશ્ર્વના વૈજ્ઞાનિકો આ દિશામાં કામ કરી રહ્યા છે. એક સંશોધન એમ જણાવે છે કે આપણી 90 ટકા કેલરી માત્ર 15 પ્રકારના પાકમાંથી આવે છે. દરેક વ્યક્તિએ સંપૂર્ણ આહાર લેવાથી બધા પ્રકારના વિટામીન, પ્રોટીનવાળો ખોરાક લેવો જરૂરી છે. ભારતીય પુરૂષોના રોજિંદા જીવનમાં સંતુલિત આહારમાં આશરે 420 ગ્રામ ધાન્ય, 60 ગ્રામ કઠોળ, 100 ગ્રામ પત્તાવાળી ભાજી કે શાક, 200 ગ્રામ કંદમૂળ, 100 ગ્રામ ફળો, 300 મિ.લિ.દૂધ, 20 ગ્રામ ઘી-તેલ અને 25 ગ્રામ ખાંડ-ગોળ હોવા જોઇએ, બોલો આ પ્રમાણે ખાઇએ છીએ? સમતોલ આહાર તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ બાબત છે.
વિટામિન અને ખનીજો શરીર માટે ખૂબ જ મહત્વના હોવાથી, એ જેમાંથી મળે તે ખોરાક બાબતે જાગૃત્તિ રાખો તોજ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. સંતુલન આહારમાં જરૂરી પ્રોટીન, કાર્બો હાઇડ્રેટ, ચરબી અને વિટામીન્સ હોય છે. પુરૂષોને એક દિવસમાં 2320 કિલો કેલરીની જરૂર હોય, ત્યારે સ્ત્રીને 1900 કેલરીની જરૂર પડે છે. આજે દેશમાં 50 ટકા લોકો એનિમિયાની ફરિયાદ કરે છે. આહાર વિવિધ ક્રિયાઓ કરવા માટે શક્તિ આપવાનું કાર્ય કરે છે, આહાર જીવન ટકાવવા અને વૃધ્ધિ માટે જરૂરી પોષક તત્વો પુરા પાડતો હોવાથી તેની તકેદારી લેવી ફરજીયાત છે, જો સારૂ જીવવું હોય તો વિશ્ર્વના સંશોધકોએ એક હજાર જેટલા જુદા-જુદા કાચા આહારનો અભ્યાસ કરીને સૌથી વધુ સંતુલિત આહારની યાદીમાં શક્કરિયા, અંજીર, આદુ, કોળું, બ્રોકોલી, આલુ-બદામ, ગાજર, લીલા મરચા, ભાજી, દાડમ, કરમદા, નારંગી, ખાટી ચેરી, લીલા વટાણા, લીલી ડુંગળી, ટમેટા, કેળા, ચોળી, અખરોટ, પાલક, અજમો, જરદાળુ, કોથમીર, રાઇ, સંતરા, બીટ, સફરજન અને બદામ જેવાનો સમાવેશ થાય છે.
દુનિયામાં 4 અબજથી વધુ લોકો માટે માત્ર ત્રણ પાક મુખ્ય ખોરાક?
માનવીના જીવનને શ્રેષ્ઠ રીતે જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે અને હા તે પણ શુધ્ધ મળે તો દુનિયામાં સાત હજારથી વધારે પાકના વાવેતર થાય છે, જે બધા જ ખાવાલાયક છે, પણ આપણે તો તેમાંથી 417ની જ ખેતી કરીએ છીએ. આજે પણ દુનિયામાં 4 અબજથી વધુ લોકો માટે માત્ર ત્રણ પાક જ મુખ્ય ખોરાક છે. એક સંશોધન મુજબ આપણી 90 ટકા કેલરી માત્ર 15 પ્રકારનાં પાકમાંથી આવે છે. આપણો ભવિષ્યનો ખોરાક કઠોળ વિશેષ હશે. દુનિયામાં કઠોળના 20 હજારથી વધુ પ્રકારો છે, જે પૈકી આપણે તો થોડા જ ઉપયોગ કરીએ છીએ. ઘણા કઠોળ કે ખાદ્ય પદાર્થોની વૈજ્ઞાનિકો પણ ખબર નથી. એક અનુમાન પ્રમાણે વિશ્ર્વનાં ચાર અબજ લોકોનો ખોરાક માત્ર ચોખા, મકાઇ અને ઘઉં છે.