મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ સહિત ભાજપે 50 ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા હોવાની ચર્ચા: સિનિયર ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને આર.સી.ફળદુને રિપીટ કરવામાં આવે તેવી અટકળો
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં આગામી 1લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની 54 સહિત 89 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ઉમેદવારો નક્કી કરવા માટે હાલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મનોમંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાલ દિલ્હીમાં છે. દરમિયાન આજે બપોર સુધીમાં ભાજપ દ્વારા અલગ-અલગ 50 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. જો કે, ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત ગુરૂવારે મોડી રાતે કરવામાં આવશે. રાજકોટ દક્ષિણ વિધાનસભાની બેઠક માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ગોંડલમાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા, જસદણમાં કુંવરજીભાઇ બાવળિયા અને જેતપુરમાં જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની 182 બેઠકો પૈકી હાલ 50 બેઠકો માટે જે ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ગ્રામ વિકાસ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ, ઉદ્યોગમંત્રી જગદીશ પંચાલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઇ માલમ, કુબેર ડીંડોર, જીતુભાઇ ચૌધરી, કિર્તીસિંહ વાઘેલા, મુકેશ પટેલ, આર.સી.મકવાણા, મનિષાબેન વકીલ, નિમિષાબેન સુથારને ફરી ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલને પણ ભાજપે ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે. જ્યારે અલ્પેશ ઠાકોર, નરેશ પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત વસાવા, ઇશ્ર્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠાભાઇ ભરવાડ, દિલીપ ઠાકોર, જવાહર ચાવડા, હર્ષદ રિબડીયા, રજની પટેલ, કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, હિરાભાઇ સોલંકી, પરસોત્તમભાઇ સોલંકી, બાબુભાઇ બોખરીયા, જશાભાઇ બારડ, શશીકાંતભાઇ 5ંડ્યા, બાબુભાઇ પટેલ, અશ્ર્વિન કોટવાલ, અમિત ચૌધરી, હિતુભાઇ કનોડીયા સહિતના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો શહેરની 69 દક્ષિણ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ટિકિટ કપાઇ રહી છે. તેમના સ્થાને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની ટિકિટ ફાઇનલ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત જિલ્લાની અન્ય ત્રણ બેઠક પર વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા હોવાનું મનાઇ રહ્યું છે. જેમાં ગોંડલ વિધાનસભા બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજા, જેતપુર-જામકંડોરણા બેઠક પર જયેશભાઇ વિઠ્ઠલભાઇ રાદડિયા અને જસદણ-વિંછીયા બેઠક પર કુંવરજીભાઇ બાવળિયાના નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ ગ્રામ્ય અને ધોરાજી-ઉપલેટા બેઠક માટે આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામો ફાઇનલ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. હાલ 50 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. જો કે, તેઓના નામની સત્તાવાર ઘોષણા ગુરૂવારે રાત્રે કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં સિનિયર મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર અને પૂર્વ મંત્રી બની ગયેલા પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી. ફળદુની ટિકિટ પણ ફાઇનલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.