૬૦ ફૂટ રોડ પર ગટરના કામ બાબતે ધમકી આપી નાણાં માગ્યા હતા: પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જાનથી મારી નાંખવાની ધમકી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના ૬૦ ફુટ રોડ પર રહેતાં લેબર કોન્ટ્રાક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફાયરીંગનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનારે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ૬૦ ફુટ રોડ પર રહેતાં અને લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતાં અરવિંદસિંહ વિરસંગભાઈ જાદવવાળાને વઢવાણ ૮૦ ફુટ રોડ પર શાક માર્કેટ પાસે ફરિયાદીનું સરકારી કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું કામ ચાલી રહ્યું હતું.
ત્યારે આરોપી અજય દેવુભાઈ મોરી રહે.૮૦ ફુટ રોડ વઢવાણવાળાએ આવીને કોન્ટ્રાક્ટરને તથા સાહેદોને કામ બંધ કરાવવા બાબતે ગાળો આપી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જો કામ શરૂ રાખવું હોય તો રૂપિયા આપવા પડશે નહિંતર ફાયરીંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર લેબર કોન્ટ્રાકટરે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.