સમાજના સંગઠન અને વિકાસ મુદ્દે મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા: દર ત્રણ મહિને આ પ્રકારની ચિંતન બેઠક મળશે
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રવિવારે મહત્વની ચિંતન બેઠક મળી હતી. ખોડલધામ મંદિર ખાતે મળેલી આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયને લઈને સમાજલક્ષી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
ખોડલધામ મંદિરે ગઈકાલે મહત્વની સમાજલક્ષી ચિંતન બેઠક મળી હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ ચિંતન બેઠકમાં સમાજના સંગઠન અને આગામી સમયમાં સમાજને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ થકી કઈ રીતે આગળ લઈ જવો સહિતના મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ હકારાત્મકતા દાખવીને સમાજના દરેક નાના-મોટા કામમાં સાથ સહકાર આપીને સમાજના ઉત્થાન માટે વધુને વધુ સારું કામ થાય તે માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. અને આ પ્રકારની ચિંતન બેઠક દર ત્રણ મહિને મળે તેવું નક્કી કરાયું હતું. ચિંતન બેઠકમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોએ સમાજના સંગઠન અને સમાજ વિકાસના મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા હતા. બેઠકના અધ્યક્ષ નરેશભાઈ પટેલે પણ કહ્યું હતું કે, ખોડલધામની શરૂઆત થઈ ત્યારથી સમાજની ચિંતા કરવાનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે ચાલુ કર્યું છે. સમાજના નાનામાં નાના વ્યક્તિને એકબીજાના સાથ અને સહમતિથી આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. સમાજના લોકોના નાના મોટા પ્રશ્નોની ચિંતા આપણે સૌએ કરવાની છે. સમાજના કોઈપણ કામ માટે રાજકીય અને સામાજિક આગેવાનોનું પીઠબળ અને હૂંફ મળતી રહે તેવી આશા રાખું છું. ખોડલધામ મંદિર પરિસરમાં મળેલી આ ચિંતન બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપરાંત અન્ય ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.
આ ઉપરાંત ચિંતન બેઠકમાં જયેશભાઈ રાદડિયા, પરેશભાઈ ધાનાણી, ગોરધનભાઈ ઝડફીયા, ધનસુખ ભાઈ ભંડેરી, રમેશભાઈ રૂપાપરા, લાલજીભાઈ સાવલીયા, ગોવિંદ ભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, વિરજીભાઈ ઠુંમર, હર્ષદભાઈ રીબડીયા, લલિતભાઈ વસોયા, કિરીટભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા, અરવિંદભાઈ રૈયાણી, અશ્વિનભાઈ મોલીયા, ડી.કે. સખીયા, પ્રતાપભાઈ દુધાત, ગોપાલભાઈ ઈટાલીયા, વલ્લભભાઈ કાકડીયા, જસુમતીબેન કોરાટ, ટપુભાઈ લિંબાસીયા ,વી.પી. વૈષ્ણવ, ગોવિંદભાઈ રાણપરીયા, ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ચોવટીયા, મિતુલભાઈ દોંગા, પરેશભાઈ પીપળીયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજલક્ષી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી.