લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું: પછાત જ્ઞાતિની હોઇ તરછોડી અણછાજતું વર્તન કર્યું: બ્લેકમેઇલ કરાયુ હોવાની કોર્પોરેટરની વળતી ફરિયાદ
જામનગરના ગાંધીનગર મોમાઈ નગર વિસ્તારમાં રહેતી એક અનુસૂચિત જ્ઞાતિની યુવતીએ પોતાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારવા અંગે અને પોતે પછાત જ્ઞાતિની હોવાથી પોતાની સાથે લગ્ન નહીં કરી અણછાજતું વર્તન કરવા અંગે જામનગરના ગુલાબનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટરના ભાણેજ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં મદદગારી કરવા અંગે કોર્પોરેટરના પુત્ર અને ભત્રીજા સામે પણ ફરિયાદ નોંધાવતા ભારે હલચલ મચી ગઈ છે. આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર મોમાઈ નગર વિસ્તારમાં રહેતી આદિવાસી ભીલ યુવતીએ આજથી દોઢેક માસ પહેલા જામનગરના જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી કે વોર્ડ નંબર ૧૧ના ભાજપના કોર્પોરેટર જસરાજ પરમારના ભાણેજ કે જેણે પોતાની સાથે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું છે, ત્યાર પછી પોતે પછાત જ્ઞાતિ ની હોવાથી સ્વીકારવાનો ઈનકાર કરી દઈ હડધૂત કરવાની અરજી કરી છે અને સમગ્ર પ્રકરણમાં કોર્પોરેટર જસરાજ ભાઈ પરમાર ના પુત્ર અને ભત્રીજા વગેરે મદદગારી કરી છે જે તમામ સામે ગુનો નોંધવા માગણી કરી હતી.
જે અરજી ની સામે કોર્પોરેટરના પરિવાર દ્વારા વળતી અરજી કરવામાં આવી હતી અને પોતાને બ્લેકમેલ કરવામાં આવે છે, તેવું જણાવાયું હતું. આખરે સમગ્ર મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. દરમિયાન આજે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદ લેવામાં આવી છે, અને કોર્પોરેટર જસરાજભાઈ પરમારના ભાણેજ જીતેશ શામજી કણજારીયા સામે દુષ્કર્મ અંગે અને હડધૂત કરવા અંગે આઇપીસી કલમ ૩૭૬, ૪૦૬, ૧૧૪ અને એસ્ટ્રોસીટીની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં મદદગારી કરવા અંગે કોર્પોરેટર જશરાજભાઈ ના પુત્ર તપન જશરાજભાઈ પરમાર અને ભત્રીજા પૂર્વેશ પરમાર સામે પણ ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝન ના પી.આઈ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ફરિયાદને લઈને જામનગરના રાજકીય વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે.