- બોર્ડની પરીક્ષાના આયોજન અને બજેટના ઝડપી અમલીકરણ પર ભાર મૂકાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આગામી 12મી માર્ચના રોજ ગુજરાતના પ્રવાસ અને કમોસમી વરસાદથી થયેલી નુકશાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી.સામાન્ય રીતે દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક મળતી હોય છે. દરમિયાન આવતીકાલથી રાજય સરકારના વિવિધ કાર્યક્રમો હોવાના કારણે આજે કેબીનેટ બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 12મી માર્ચનાં રોજ ગુજરાતના પ્રવાસ, ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા રાજયમાં પડેલા કમોસમી વરસાદથી થયેલી નુકશાની અને રાજય સરકારના આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
રાજય સરકારના મંત્રી મંડળની લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પહેલા આ અંતિમ બેઠક હોવાનું મનાય રહ્યું છે. આવતા સપ્તાહે ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પૂર્વે રાજય સરકાર પુરા થયેલા પ્રોજેકટનું લોકાર્પણ કરી દેવા ઈચ્છી રહી છે. જયારે જે પ્રોજેકટના ટેન્ડર મંજૂર થઈ ગયા છે. તે કામો ચાલુ કરી દેવાની પણ તૈયારી કરી રહ્યું છે.