સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી, ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટેલ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે કેન્દ્રીય મંત્રી સાથે વ્યાપક વિચાર વિમર્શ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે અમદાવાદમાં બેઠક યોજીને ગુજરાતમાં રેલવે સેવા વિસ્તૃતિકરણ અને રેલવે દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે વિસ્તૃત ચર્ચા પરામર્શ કર્યા હતા.
આ બેઠક માં ગુજરાત ને લગતા રેલવેના મહત્વના પ્રશ્નોની ચર્ચામાં ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જે વિશ્વનું પ્રવાસન કેન્દ્ર બન્યું છે, ત્યારે દેશ વિદેશ ના પ્રવાસીઓ ને કેવડીયા રેલ માર્ગે પહોંચવા માટે કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર હાથ ધરાઇ રહેલા કેવડિયા-વડોદરા રેલવે લાઇનના કામની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને જણાવ્યું કે આ રેલવે લાઈન માટેની જમીન સંપાદનની કામગીરી પૂરી કરવામાં આવી છે તથા કેવડિયામાં રેલવે સ્ટેશનનું કામ પણ પૂરઝડપે હાથ ધરાઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સાથેની આ બેઠક માં મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ભારત સરકારના સહયોગથી રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ અને ગાંધીનગર રેલવે સ્ટેશનના આધુનિકીકરણની કામગીરીની પ્રગતિ ની પણ ચર્ચાઓ કરી હતી. તેમણે ગુજરાતમાં રેલવે દ્વારા ગેજ ક્ધવર્ઝન અને ડબલિંગ ઓફ રેલવે લાઇનના ચાલતા કાર્યો અંગે પણ રેલવે મંત્રી સાથે લંબાણપૂર્વક વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ પીયૂષ ગોયલને જણાવ્યું કે કટોસણ-બેચરાજી રેલવે લાઇનનું કામ ભારત સરકારના રેલવે અને ગુજરાત સરકારની કંપની જી-રાઇડ દ્વારા સંયુક્તપણે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રૂ. ૨૬૬ કરોડના વર્ક ઓર્ડર આ હેતુસર અપાઈ ગયા છે.
તેમણે ઉમેર્યું કે મારૂતિ મોટર્સ દ્વારા ઉત્પાદિત થનારી મોટરકારના ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષાંગિક ઉદ્યોગો તથા એમએસએમઇ, બેચરાજી અને આસપાસની જીઆઇડીસીને પણ આ રેલવે લાઇન શરૂ થતા મહત્તમ લાભ થવાનો છે. આ બેઠકમાં ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, રેલવે બોર્ડના ચેરમેન યાદવ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.