સાંસદ પુનમબેન માડમે જેને મોટા કર્યા તે જ હવે સામા થવા લાગ્યા: જેટલા નેતા એટલા જૂથ
હાલાર પંથકમાં તારા-મારાની લડાઈથી શિસ્તબધ્ધ ગણાતા ભાજપની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે. હવે તો જેટલા નેતા એટલા જૂથ અસ્તિત્વમાં આવી ગયા છે. સાંસદ પૂનમબેન માડમે જેને રાજકારણમાં મોટા કર્યા તે હવે સામા થવા માંડયા છે.
જામનગરનું રાજકારણ ગુજરાતથી તદ્ન વિપરિત છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે એકાબીજાને પાડી દેવા માટેની વ્યુહ રચના ઘડવામાં આવી હતી. શહેરની એક બેઠક ક્ષત્રીય સમાજને આપવા માટે ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવતા પૂર્વ મંત્રી હકુભા જાડેજાને સાઈડ લાઈન કરવા સાંસદ પુનમબેન માડમે સોગઠા ગોઠવ્યા હતા. અને એક ક્ષત્રીય મહિલા અગ્રણી એવા રિવાબા જાડેજાને ટિકિટ અપાવી હતી. આજે પુનમબેનને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. સામાન્ય કાર્યકરમાંથી જેને ધારાસભ્ય બનવાની તક આપી તે રિવાબા જાડેજા આજે સામા થઈ રહ્યા છે. આવા ડખ્ખા રોજીંદા બની ગયા છે. પરંતુ ગઈકાલે ઘુંઘવાટ ખૂલ્લીને સામે આવ્યો હતો. સ્ત્રી હઠ ભાજપને કેટલું નુકશાન પહોચાડશે તે આગામી દિવસોમાં ખબર પડશે. ગઈકાલે બનેલી ઘટનાના પડઘા માત્ર ગાંધીનગર જ નહી દિલ્હી સુધી પડયા હતા જેના કારણે પુનમબેને રાત્રે પત્રકાર પરિષદ બોલાવી ચોખવટ કરવી પડી હતી.
જંગ પ્રતિષ્ઠાનો અર્થાંત ‘ઓકાત’નો હતો પરંતુ જૂથવાદના દરદરમાં આળોટતું જામનગર શહેર ભાજપ હવે નેતાઓને કારણે પોતાની ઓકાત સામે પડકાર ઉભા કરી રહ્યું છે. એકાબીજાને ઓકાત દેખાડી દેવાની ગંદી રાજરમત નેતાઓ રમી રહ્યા છે. મેયર, ધારાસભ્ય અને સાંસદ ત્રણેય પદે મહિલાઓ હોવા છતા નારી ગૌરવ લેવાના બદલે એકાબીજાની લીટી ટુંકી કરવા સતત મથી રહ્યા છે.