રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયની સામાન્ય ચૂંટણીમાં ભાજપે પોતાની પેનલ બિનહરીફ થઈ હોવાનું જાહેર કર્યું, પણ અંદરથી તો બે ઉમેદવાર કોંગ્રેસના નીકળતા ભારે અચરજ

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષની પેનલ ઉતારી મેન્ડેટ ઉપર ચૂંટણી લડવાનો ભાજપનો આદેશ હતો, આદેશનું ઉલ્લંઘન?

સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પક્ષની પેનલ ઉતારી મેન્ડેટ ઉપર ચૂંટણી લડવાનો ભાજપે આદેશ જાહેર કર્યો હતો. છતાં રાજકોટ જિલ્લામાં ભાજપની પેનલમાં કોંગ્રેસના યગ્નેશ અને ધીરુભાઈ બિન હરીફ થઈ જતા ભારે અચરજ ફેલાઈ છે. આ ઘટનાથી શુ શિસ્તભંગ થયું છે કે કેમ તેઓ પ્રદેશ ભાજપ જ નક્કી કરી શકશે.

રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયની સામાન્ય ચૂંટણીમાં ગઈકાલે ભાજપે પોતાની પેનલ બિનહરીફ થઈ હોવાનું જાહેર કર્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની આગેવાનીમાં આ ચૂંટણી બિન હરીફ થઈ હોવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા બેઠકથી જીવનભાઈ ગજેરા, જસદણ બેઠકથી કનુભાઈ હીરપરા, કોટડા સાંગાણી બેઠકથી ધીરુભાઈ ધાબલિયા, પડધરી બેઠકથી રાઘવજીભાઈ લુણાગરિયા, મોરબી બેઠકથી મહેન્દ્રસિંહ ઝાલા, ટંકારા બેઠકથી રમેશભાઈ કુંડારિયા, રાજકોટ બેઠકથી યગ્નેશ જોશી, જેતપુર બેઠકથી સુરેશભાઈ કિયાડા અને રવજીભાઇ હિરપરા, ગોંડલ બેઠકથી રમેશભાઈ સાવલીયા ડિરેકટર તરીકે બિનહરીફ જાહેર થયા હતા.

ભાજપના જ પીઢ નેતાઓએ એવું જણાવ્યું છે કે તાજેતરમાં જ કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવેથી ભાજપે સહકારી ક્ષેત્રમાં આખે આખી પેનલ જ ઉતારવાની રહેશે. ઉપરાંત પક્ષના સિમ્બોલ ઉપર જ ઉમેદવારોને ચૂંટણી લડવાની રહેશે. આ માટે મેન્ડેટ પણ આપવાના રહેશે. રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયની ચૂંટણીમાં ભાજપે પોતાની પેનલ બિન હરીફ થઈ હોવાની જાહેરાત કરી છે. પણ તે જ પેનલની અંદર બે કોંગ્રેસી ઉમેદવાર પણ છે. કોંગ્રેસના યગ્નેશ જોશી અને ધીરુભાઈ ધાબલીયાને ભાજપને પોતાની પેનલમાં રાખીને ભાજપની પેનલને વિજેતા જાહેર કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક કક્ષાએ ભારે અચરજ ફેલાઈ છે.

પક્ષ દ્વારા નિયમ રાખવામાં આવ્યો હતો કે ભાજપે જ પેનલ ઉતારવાની અને મેન્ડેટ પણ આપવાનું. તેમ છતાં ભાજપે બે કોંગ્રેસીને સાથે રાખીને પેનલ ઉતારી હતી. હવે આવુ કરવું એ શિસ્તભંગ કહી શકાય કે કેમ? તે અંગે હજુ સુધી કોઈ પ્રદેશના નેતાઓએ કે સ્થાનિક સંગઠનના નેતાઓએ ખોલ પાડી નથી. જો કે આ ઘટનાને હવે સંગઠન કઈ નજરથી જોવે છે અને શું પગલાં લ્યે છે તે તો સમય જ બતાવશે.

C R PATIL

આજે જ તપાસ કરીશું: સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ ઘટના વિશે જણાવ્યું કે પાર્ટીના સિમ્બોલ ઉપર જ સહકારી ક્ષેત્રની ચૂંટણી લડવાનો આદેશ છે. જો રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલયની ચૂંટણીમાં આનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે આજે જ તપાસ કરીશું.

Rajubhai Dhruv

કેવડિયા ખાતેની પ્રદેશ કારોબારીમાં આ નિર્ણય લેવાયો: રાજુ ધ્રુવ

ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે કેવડિયા ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજાય હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સહકારી ક્ષેત્રમાં પાર્ટી પોતાના સિમ્બોલ ઉપર જ ઉમેદવારોને ચૂંટણી લડાવશે. ઉલ્લેખનીય છે કે આ નિયમ કેવડિયા ખાતેની બેઠક બાદથી જ અમલમાં છે.

MANSUKHજિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું પક્ષના નિર્ણયની હવે અમલવારી કરવામાં આવશે, હું વાત કરી લઈશ

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ કહ્યું કે સહકારી ક્ષેત્રમાં ભાજપ મેન્ડેટ ઉપર પેનલ ઉતારવાની પક્ષની સૂચના તો છે. પણ તેની અમલવારી હવેથી ચાલુ કરવામાં આવનાર છે. જો કે હકીકતમાં ભાજપે આ નિર્ણય ઘણા સમયથી લીધેલો છે. તેની અમલવારી પણ ચાલુ થઈ છે. પણ ભાજપ પ્રમુખ આ વાતથી અજાણ હતા અથવા તો પક્ષના જ આગેવાનોની બચાવ ભૂમિકામાં હતા. વધૂમાં ભાજપ પ્રમુખે કહ્યું કે હું વાત કરી લઈશ. જો કે તેઓએ એ ઉલ્લેખ ન કર્યો કે તેઓ કોની સાથે વાત કરશે? અને શું વાત કરશે?

YAMAL VYASઆ મારો વિષય નથી: પ્રદેશ પ્રવક્તા
યમલ વ્યાસ

ભાજપના પ્રદેશ પ્રવક્તાએ એ વાત સ્વીકારી હતી કે હા, સહકારી ક્ષેત્રમાં આવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પણ તેઓએ શકયતા વ્યક્ત કરતા એવું કહ્યું કે કદાચ મેન્ડેટ ઓછા લોકોને અપાયા હશે એટલે આવું બન્યું હશે. અંતમાં તેઓએ એવું કહ્યું કે આ મારો વિષય નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.