અરબી સમુદ્રમાં ઉદભવેલું ભયંકર વાવાઝોડુ ઓખીના કારણે ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે શીત લહેર ફૂંકાશે: સમુદ્રમાં તોફાની મોજાની દહેશતે માછીમારોને દૂર રહેવા સુચન: એનડીઆરએફની ટુકડીઓ ખડેપગે
સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે કેન્દ્રીત થયેલુ વાવાઝોડુ ઓખી સૌરાષ્ટ્ર ઉપર આફત સર્જે તેવી દહેશત છે. ઓખીની અસરના કારણે સૌરાષ્ટ્ર ઉપર વાદળો ઘેરા બન્યા છે. અનેક સ્થળે ઝરમર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના દરિયામાં તોફાની મોજા ઉઠયા છે. અરબી સમુદ્રમાં પહોંચેલા ઓખીના પગલે ભારે વરસાદ અને તોફાની પવનોની આગાહી કરવામાં આવી છે. શીત લહેરના કારણે ઠંડીમાં વધારો થયો છે. આજે સવારથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયા વાતાવરણના પગલે ઠંડી અનુભવાઈ રહી છે. શાળાઓ અને આંગણવાડી બંધ રખાવવાનો નિર્ણય તંત્રએ લીધો છે.
જામનગરમાં ૩ નંબરનું સિગ્નલ અપાયું છે. રાજકોટમાં ઓખીની આફતને પહોંચી વળવા એનડીઆરએફની ટુકડીને ખડેપગે રાખવામાં આવી છે. ૫૦ થી ૬૦ કિ.મી. ઝડપે ફૂંકાતા ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યાં છે. ઓખી વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકવાની દહેશતના કારણે ૫૧૦૦ જેટલી બોટોને પરત બોલાવાઈ છે. હજી દરિયામાં ૧૯૦૦ બોટો છે. પોરબંદરની ૩૫૦૦ જેટલી બોટ પરત ફરી છે. આ ઉપરાંત વેરાવળ, ભીડિયા, સુત્રાપાડા, હિરાપોટ અને ધામળેજની બોટો પરત ફરી છે. વેરાવળની ૬૫૦ બોટો દરિયામાં હોવાનું જાણવા મળે છે.
લક્ષદ્વીપમાં કાળો કેર વર્તાવી સૌરાષ્ટ્ર નજીક પહોંચેલો ચક્રવાત ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ ત્રાટકશે. સુરત જિલ્લામાં લેન્ડ પોલ થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં લેન્ડીંગ સાથે જ વાવાઝોડુ નબળુ પડીને ડિપ-ડિપ્રેશનમાં પરિણમવા અને તેની તિવ્રતામાં ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઓખી વાવાઝોડાની અસર ગઈકાલ બપોરથી જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. લોકોને સાવધ રહેવા તંત્રએ અપીલ કરી છે. બચાવ પ્રક્રિયા માટે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. ગુજરાતમાં વાદળો ઘેરાયા બાદ ઠેર-ઠેર વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ભારે વરસાદ સાથે વિનાશ વેરતું ઓખી ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે તેવી આગાહી બાદ તંત્ર સતર્ક બની ગયું છે.
વાવાઝોડાના પગલે અમિત શાહની ત્રણ સભા રદ્દ
ઓખી વાવાઝોડાના પગલે અનેક રાજકીય અને સામાજિક કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. આજરોજ રાજુલા, મહુવા અને સિહોરમાં આયોજીત અમિત શાહની ત્રણ જાહેરસભાને ઓખીની દહેશતના કારણે રદ કરવામાં આવી છે. ત્રણેય જાહેરસભામાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના હોય. કોઈ ઘટના ન બને તેની સતર્કતાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૈનોનું પારિવારીક સ્નેહ મિલન મોકુફ
ઓખી વાવાઝોડા અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને આજરોજ યોજાનાર જૈન પારીવારિક સ્નેહ મિલનને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો હાજરી આપવાના હતા. આ ઉપરાંત ૨૦ હજારથી વધુ જૈનો સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવાના હતા.