અગાસી પર વૃદ્ધાએ ઊલટી કર્યાનો ખાર રાખી માર માર્યાનો આક્ષેપ
શહેરમાં રૈયા ટેલિફોન પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા વિકલાંગ વૃદ્ધાને તેના પુત્ર અને પુત્રવધૂએ માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગરોડ પર આવેલ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સોમનાથ સોસાયટી-11માં રહેતાં વિકલાંગ વૃધ્ધા સવિતાબેન ત્રિકમભાઇ માવદીયા (ઉ.વ.65)ને તેના પુત્ર જયંતિભાઇ અને નાના પુત્રની પત્નિ રક્ષા સુરેશએ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સવિતાબેને જણાવ્યા હતું કે તેમને તેના મોટા પુત્ર જયંતિભાઇ અને નાના પુત્રની વહુ રક્ષાબેને મારકુટ કરી હતી. આ ઘટના અંગે પોલીસે સવિતાબેનના પુત્રી ભારતીબેન વેગડની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મારા બાપુજી ત્રિકમભાઇ આઠેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારે બે ભાઇઓ જયંતિભાઇ અને સુરેશભાઇ છે. મારા બાને છેલ્લા સાતેક વર્ષથી મિલ્કત સહિતની વાતે હેરાનગતિ છે. અગાઉ કોરોના વખતે પણ તેમને મારકુટ થતાં દાખલ કરવા પડયા હતાં. એ પછી ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. હાલમાં બંને પુત્ર તરફથી ત્રણ ત્રણ હજાર મળે છે. પરમ દિવસે મારા બાએ અગાસી પર ઉલ્ટી કરી હોઇ તે સાફ કરવા બાબતે નાના ભાભી રક્ષાબેને મારકુટ કરી હતી. ગઇકાલે ફરીથી ભાઇ અને ભાભીએ બાને ધોલધપાટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.