રાજકોટની ડિસેબલ આઇ.ટી.આઇ.માં વિદ્યાર્થીઓને અપાઈ રહી છે વિશિષ્ટ કૌશલ્ય તાલીમ
દિવ્યાંગ વ્યક્તિ પણ અન્યોની જેમ તાલીમબદ્ધ થઈને રોજગાર મેળવી શકે તેવા હેતુથી ગુજરાતના રાજકોટ જિલ્લામાં વર્ષ 2009થી ડિસેમ્બલ આઈ.ટી.આઈ.ની શરૂઆત કરવામાં આવી છે.ડિસેબલ આઇ.ટી.આઇ.ના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને ટેકનિકલ ઓફિસર માનસી તેરૈયાએ જણાવ્યું હતું કે, અમારા કેમ્પસ ખાતે 7 જેટલા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ઓપરેટર, કટીંગ એન્ડ સ્યુઈંગ, ડેસ્કટોપ પબ્લીસીટી ઓપરેટર, હેર એન્ડ સ્કીન કેર જેવા કોર્ષનો સમયગાળો એક વર્ષનો છે, જ્યારે ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટોર ઓપરેશન આસીસ્ટન્ટ, રીટેલ સ્ટોર એશોસિએટ જેવા 3 માસનો સમયગાળો ધરાવતા કોર્ષનો ચાલુ વર્ષથી સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ કોર્ષમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસની છે.
માનસીએ ડિસેબલ આઇ.ટી.આઇ.માં એડમિશનની પ્રક્રિયા બાબતે જણાવ્યું હતું કે, એડમિશન માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વોકેશનલ રીહેબીલીટેશન કમિટી (વી.આર.સી.) ની સ્થાપના કરવામાં આવે છે. જે અંતર્ગત એડમિશન માટેની અરજીના પ્રમાણમાં ડોક્ટરો અમદાવાદથી આવીને વિદ્યાર્થીઓની ડીસેબીલીટી ચેક કરીને તે ક્યા કોર્ષમાં એડમીશન મેળવવા માટે સક્ષમ છે તે નક્કી કરે છે. ત્યાર બાદ જ એડમિશન આપવામાં આવે છે.
એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીને આઈ.ટી.આઈ. તથા સમાજ કલ્યાણ વિભાગ તરફથી 200 થી લઈને 400 રૂ. સુધીનું સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. પ્રતિ વર્ષ 60-70 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે.કોરોના કાળમાં આમારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવું મારા અને અમારા શિક્ષકો માટે ખુબ જ કપરૂ હતું. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં મુંગા બહેરા તથા અંધજનોનો સમાવેશ થાય છે.
અમારા શિક્ષકો વિડીયો બનાવીએ તેઓને વોટ્સએપ પર મોકલીને અભ્યાસ કરાવતા હતા. અમારા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને-સાંભળીને અભ્યાસ કરતાં હતા. જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ-સાંભળી શકતા નહોતા તેમને તેમના વાલીઓ સાઈન લેંગ્વેજ વડે વિડીયોની માહિતી આપી અભ્યાસ કરાવતા હતા, તેમ માનસીએ જણાવ્યું હતું.
નોંધનિય છે કે, રાજકોટ ઉપરાંત હાલમાં ડિસેબલ આઇ.ટી.આઇ. બરોડામાં કાર્યરત છે, જ્યારે સુરત ખાતે ડિસેબલ આઇ.ટી.આઇ. માટેની મંજુરી આપવામાં આવી છે. આ તાલીમ અનેક દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.