રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે રાજકોટમાં એક તરફ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી થઈ રહી છે. કાલથી લોકમેળા મલ્હારનો શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રંગીલા
રાજકોટમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. રાજકોટના પોશ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જો સત્વરે આ કચરાનો નિકાલ કરવામાં નહી આવે તો રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.
એક તરફ વરસાદ બાદ રોડનું ધોવાણ થઈ ગયું અને રાજકોટ ખાડાનગર થઈ ગયું ત્યારે હવે આ ગંદકી અને કચરાના ઢગલા રંગીલા રાજકોટની ઓળખ માથે કાળા ટીલા સમાન છે. તે આ ગંદકીનો સત્વરે નિકાલ કરવામાં નહી આવે તો રાજકોટના લોકો રોગચાળાની ઝપટેમાં આવી જશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ ગંદકી કચરાના ઢગલા સ્વચ્છતા અભિયાનની સરા જાહેર પોલ ખોલી રહ્યું છે.
રાજકોટના હાર્દ સમા યાજ્ઞીક રોડ, લાખાજીરાજ રોડ, શાસ્ત્રી મેદાન, લીમડા ચોક, જૂનુ એસટી બસ સ્ટેન્ડ, નવ એસટી સ્ટેન્ડ, ધર્મેન્દ્ર રોડ વગેરે વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અતિશય દુર્ગંધ મારતા આ કચરાને કારણે આસપાસનાં વિસ્તારનાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગંદકી અને કચરાને કારણે રોગચાળો ફેલાય કે મચ્છર જન્ય રોગ થાય તેવી ભીતિ લત્તાવાસીઓમાં સેવાઈ રહી છે.
શું આ પણ કચરો…?
વો કાગઝ કી કશ્તી… આપણે ઘણીવાર સાંભળ્યું પરંતુ કચરામાં રમતુ બાળક કયારે સાંભળ્યું કે જોયું નથી રંગીલા રાજકોટમાં કચરો અને ગંદકીનું સામ્રાજય થઈ ગયું છે. ત્યારે આ બાળકનું ભાવિ શું? એક તરફ સરકાર દ્વારા નાના બાળકો માટે વિવિધ યોજનાઓ બની રહી છે અને બાળકોનાં ઉમદા ભવિષ્ય માટે સરકાર કટીબધ્ધ છે. ત્યારે કચરામાં રમતા આ બાળક પણ જાણે કચરો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.