ભારતભરમાં તા. 26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન દ્વારા આંજણા કેળવણી મંડળ સંસ્થા, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર અંબાલાલ આર. પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત દરેક જિલ્લાના મુખ્ય મથકે પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડાયરેકટર અંબાલાલ.આર.પટેલે બંધારણમાં રહેલી મૂળભુત ફરજો અને અધિકારો વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ડેપ્યુટી ડાયરેકટર જગરૂપસિંહ રાજપૂતે બંધારણના અનુચ્છેદની તથા ડેપ્યુટી ડાયરેકટર રાકેશ રાવનાઓએ બંધારણના નિર્માણમાં ડો. બાબસાહેબ આંબેડકરની ભૂમિકા અને બંધારણ ઘડવાના ઇતિહાસ વિશે સમજ આપી હતી.
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, ડીઓપી, આંજણા કેળવણી મંડળ સંસ્થાના કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ ઉપરાંત ધોરણ 8 થી 12ના અંદાજે 450 બાળકો પણ ઉપસ્થિત રહ્યાં હતા.