અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના 9 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત વિના જ ઉમેદવારી ફોર્મ ભરી દેવાયા: અનેક વોર્ડમાં હજુ કોંગ્રેસમાં કકળાટ યથાવત, સાંજ સુધીમાં નામો જાહેર કરવાનો દાવો પરંતુ તમામને ડાયરેકટ મેન્ડેટ જ અપાય તેવી સંભાવના

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ભાજપે રાજ્યની તમામ છ મહાપાલિકાઓ માટે 576 ઉમેદવારોના નામની ઘોષણા એક જ દિવસમાં કરી દીધી છે અને આજે તમામ ઉમેદવારોએ નામાંકન ફાઈલ કરી દીધા છે. બીજી તરફ હજુ કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા ન હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાજકોટના 18 પૈકી 14 વોર્ડ માટે 22 મુરતીયાના નામોની ઘોષણા કર્યા બાદ સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિત 9 ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે તેઓને ડાયરેકટ મેન્ડેટ આપી ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી કોંગ્રેસ આજે માત્ર 31 બેઠક માટે જ ફોર્મ ભરી શકી છે. હજુ 41 નામો જાહેર કરવાના બાકી છે. એવો દાવો ચોક્કસ કરવામાં આવી રહ્યો છે કે, સાંજ સુધીમાં 41 નામોની ઘોષણા કરી દેવામાં આવશે પરંતુ જે રીતે અનેક વોર્ડમાં કકળાટ ચાલી રહ્યો છે તે જોતા હાલ લાગતું નથી કે કોંગ્રેસ ઉમેદવારોના નામની ઘોષણા કરે જેને લડાવાના છે તેને ડાયરેકટ મેન્ડેટ આપી દેવામાં આવશે.

રાજકોટ શહેરના 18 વોર્ડ પૈકી 14 વોર્ડ માટે કોંગ્રેસે 22 ઉમેદવારોના નામની અગાઉ ઘોષણા કરી દીધી હતી. દરમિયાન આજે આ 22 ઉમેદવારો સાથે વધુ 9 ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવા પ્રદેશ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.3માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી અને કોમલબેન પુરબીયાને ડાયરેકટ મેન્ડેટ આપવામાં આવ્યું છે જ્યારે આ વોર્ડમાં એક ઉમેદવાર દાનાભાઈ હુંબલના નામની અગાઉ ઘોષણા કરી દેવામાં આવી છે. વોર્ડ નં.15માં પણ મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, ભાનુબેન સોરાણી અને કોમલભાઈ ભારાઈના નામની ઘોષણા કરવાના બદલે તેઓને આજે ડાયરેકટ ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. આ વોર્ડના અન્ય એક ઉમેદવાર મકબુલ દાઉદાણીની જાહેરાત અગાઉ જે 22 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી તેમાં થઈ ચૂકી છે. વોર્ડ નં.17ની ચાર બેઠકો પૈકી અગાઉ જયાબેન ટાંક અને ઘનશ્યામસિંહ જાડેજાના નામની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે આ વોર્ડની અન્ય બે બેઠકો માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વસંતબેન પીપળીયાને આજે સવારે ડાયરેકટ મેન્ડેટ આપી ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે.

શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી કોંગ્રેસ હજુ સુધી 14 વોર્ડની 31 બેઠક માટે જ ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં પુરી પેનલ નથી. પેનલમાં પણ હજુ 25 નામો ઘટે છે જ્યારે 8 વોર્ડમાં ઉમેદવારોના નામને લઈ હજુ કોંગ્રેસમાં જબરો કકળાટ ચાલી રહ્યો છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી માત્ર 31 નામો જાહેર કરી શકી છે. હજુ 41 નામ જાહેર કરવાના બાકી છે. એવો દાવો ચોક્કસ કરવામાં આવી રહ્યો છે કે, આજ સાંજ સુધીમાં બાકી રહેતા તમામ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે પરંતુ જે રીતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના 9 ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવાના બદલે તેમને ડાયરેકટ મેન્ડેટ પકડાવી દેવામાં આવ્યું છે તે રીતે અન્ય ઉમેદવારોને પણ મેન્ડેટ આપવામાં આવશે. નામની સત્તાવાર ઘોષણા કરાશે નહીં.

ભાજપના કપાયેલા-દુભાયેલાઓને કોંગ્રેસની ટિકિટ ઓફર

પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કપાયેલા કે દુભાયેલાઓને ફોન કરી ટિકિટની ઓફર કરી હોવાની જોરદાર ચર્ચાઓ

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે અને આજે એક સાથે તમામે ફોર્મ પણ ભરી દીધા છે. બીજી તરફ ભાજપે જે સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ પર કાતર ફેરવી છે અને જેઓ દાવેદાર હોવા છતાં ટિકિટ આપવામાં આવી નથી તેવા કેટલાંક નેતાઓને કોંગ્રેસ દ્વારા ટિકિટની ઓફર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મહાપાલિકાની ચૂંટણીમાં ત્રીજો વિકલ્પ બનીને અમે ઉભરીશું તેવો દાવો કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મળતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાજપે માત્ર 10 સીટીંગ કોર્પોરેટરોને રીપીટ કર્યા છે અને 28ની ટિકિટ કાપી નાખવામાં આવી છે. જે વ્યક્તિઓ કપાયા છે તેઓમાં થોડા ઘણા અંશે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપે ઉમેદવારોની પસંદગી માટે જે ક્રાઈટ એરીયા છેલ્લી ઘડીએ નક્કી કર્યા હતા તેના કારણે પ્રબળ દાવેદાર હોવા છતાં અનેક લોકો ટિકિટથી વંચીત રહ્યાં છે. જેઓને પંજાના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા ઓફર કરવામાં આવી હોવાનું અંદર ખાને ચર્ચાઈ રહ્યું છે. જો કે ભાજપના કપાયેલા કે દુભાયેલા એક પણ નેતાએ કોંગ્રેસની આ ઓફરનો હજુ સુધી સ્વીકાર કર્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.