જામનગરમાં વિવિધ રાજમાર્ગો પરથી દબાણ હટાવાયા
જામનગરના મેયરે એસ્ટેટ શાખા અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શહેરના ગીચ એવા બર્ધનચોક અને કાલાવડ નાકા બહાર વિસ્તારમાં જાહેરમાર્ગ પરના ટ્રાફીકને નડતરરૂપ દબાણો દુર કરાવતાં લોકો એકઠા થયા હતાં.
કોર્પોરેશનની એસ્ટેટ શાખા અને સીટી એ ડિવિઝન પોલીસ વિભાગે ગઇકાલે સાંજે 6 વાગ્યા બાદ બર્ધનચોકથી દરબારગઢ તેમજ દરબારગઢના કાલાવડના નાકા બહારથી પંચ હાટડી તરફના વિસ્તારોમાંથી 15થી વધુ પથારા, 3 રેંકડીઓ અને 4 જાહેર કાઉન્ટરો જપ્તીમાં લેવાની કામગીરી કરતા દબાણખોરોમાં નાશભાગ મચી ગઈ હતી. આ કામગીરી વેળાએ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પીઆઈ એન.એ.ચાવડા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ તેમજ સર્વેલન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કોર્પોરેશનની આ કામગીરી વેળાએ ભારે અફડા તફડી મચી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસની ઉપસ્થિતિથી જાહેર માર્ગ પર અડચણ કરતા તત્ત્વો નાશી છુટ્યા હતાં. મેયર અને શાસક જુથના નેતા દ્વારા આ અગાઉ પણ બે વખત વિસ્તારમાં રૂબરૂ ફરીને દબાણખોરોને ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ થોડીવાર માટે દબાણો હટ્યા બાદ સ્થિતિ જેમની તેમ થઈ જતી હતી.
આજે જુમા મસ્જીદ સામે માર્ગ પરથી દબાણો હટતા વાહન ચાલકોએ રીતસરની રાહત અનુભવી હતી. આ કામગીરી વેળાએ મેયર બીનાબેન કોઠારી, શાસક જુથના મહિલા નેતા કુસુમબેન પંડ્યાએ એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, નિતિન દિક્ષિત, દબાણ નિરિક્ષક અને સિક્યુરીટી હેડ સુનિલભાઈ ભાનુશાળી તેમજ એસ્ટેટ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, હવે એસ.ટી. ડેપોથી ખંભાળીયા ગેઈટ અને હોસ્પિટલ સામે દબાણો સામે સીધી ફોજદારી કાર્યવાહી થશે.
કોર્પોરેશને સીલ કરેલી નોનવેજની દુકાનો ફરી ધમધમવા લાગી
શહેરમાં 200થી વધુ નોનવેજના હાટડા, ચોપડે માત્ર 22 બોલે છે
જામનગરમાં ફુડ સેફ્ટી કાયદાના પાલન માટે મ્યુ. તંત્રના ફુડ વિભાગે સીલ કરાવેલી અમુક દુકાનો ખોલી નાંખવામાં આવી છે, અમુક નજીકમાં ફરી નામ વગર ચાલુ થઈ ગઈ છે. મોટાભાગના લાયસન્સની પ્રક્રિયામાં છે. તંત્રની ટીમે જ્યાં સીલ કરેલું છે. તેવી રણજીતસાગર રોડ પરની એક દુકાનની આડે કેબીન ગોઠવીને ધંધો પુન: શરુ કરાયો છે. આ જ રીતે ડીફેન્સ કોલોનીમાં તો સીલ ખોલીને બિન્દાસ ધંધો શરુ કરી દેવાયો છે. સાત રસ્તા નજીકની સીલ થયેલી દુકાનની લાઈનમાં આગળ પાટીયા વગર ધંધો શરુ કરી દેવાયો છે.
શહેરમાં વાસ્તવમાં 200થી વધુ દુકાનો છે. પરંતુ તંત્રએ ચોપડે માત્ર મટન માર્કેટના 20 ગાલા સહિત કુલ 42 દુકાનો દર્શાવી છે. તેથી વાસ્તવિકતા ખરેખર જુદી અને હાઈકોર્ટના આદેશ મુજબ કરાયેલું સીલીંગ બે-મતલબનું બની રહ્યું હોય તેવી સ્થિતી છે. આ ઉપરાંત ગ્રામ્યની વાત કરીએ તો જ્યાં બે લાખ જેટલા પરપ્રાંતિય મજુરોની વસ્તી છે તેવા ખાવડી, મેઘપર, પડાણા, વાડીનાર તરફ તો ચેકીંગ કે સીલીંગની કોઈ કાર્યવાહી જિલ્લાના ફુડ વિભાગ દ્વારા થઈ નથી.
જામનગરમાં માર્ચ માસમાં કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ કાયદાનો ભંગ કરીને સ્વચ્છતાના ધોરણો નહીં જાળવીને તેમજ સ્ટાન્ડર્ડ સ્ટેમ્પીંગ સાથે યોગ્ય પેકીંગ કર્યા વગર મટન-ચીકન, માછલી સહિતના માંસાહારનું કટીંગ કરીને વેચાણ કરતા રાજાશાહીના સમયના નોનવેજના ગાલા તેમજ શહેરના સાતરસ્તા નજીક ઓશવાળ સેન્ટરની દીવાલ બહાર, દિગ્દામ મીલની બાજુમાં ડીફેન્સ કોલોનીમાં, મારવાડા વાસ, એમઈએસ કોલોની, 49 દિગ્વિજય પ્લોટ શંકરટેકરી, કાલાવડના નાકા બહાર સતવારાવાડ, ઘાંચીવાડ, ખોજા ગેઈટ, કતલખાના બહાર તેમજ કાલાવડ નાકા રોડ પરની અન્ય દુકાનો મળીને કુલ 42 સ્થળોએ સીલીંગની કાર્યવાહી કરવામાં આવ્યા
બાદ રીયાલીટી ચેકમાં સાતરસ્તા નજીકની એક સીલ દુકાનના સંચાલકે નજીકમાં ધંધો શરુ કર્યો હોવાનું, ડીફેન્સ કોલોનીમાં સીલ ખોલીને પુન: ધંધો શરુ કર્યાનું તો અમુકે મટન માર્કેટમાંથી કાયદેસર રીતે માલ લાવીને વેચવાનું ચાલુ કરી દીધું છે. પરંતુ મુખ્ય વાસ્તવિક્તા એ છે કે, શહેરમાં 200થી વધુ નોનવેજ વિક્રેતાઓ હોવા છતાં તંત્રએ એક જ માર્કેટના 20થી વધુ અને બાકીના અન્ય 22 જેટલા અન્ય વિસ્તારોના ધંધાર્થીઓ ચોપડે દર્શાવ્યા છે.