ખરીદી માટે લોકો ઉમટયા
ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, બંગડી બજારમાં ખરીદી માટે ઉમટતી ભીડ
બધી બજારોમાં ધીમો પણ તેજીનો કરંટ જોવા મળ્યો: સોના-ચાંદીની ખરીદીનો ધમધમાટ
કોરોનાની મહામારીથી મંદીમાં સપડાઈ ગયેલા શહેરનાં વેપાર ધંધા, ઉદ્યોગોમાં દિવાળીના તહેવારો નજીક આવતા અને ખરીદી માટે લોકોની ભીડ વધતા તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. શહેરોમાં કોરોનાનો કહેર ઘટતા શહેરીજનો દિવાળીના તહેવારો માટે કપડા, ઘરની સાજ-સજાવટ, ગૃહઉપયોગી વિવિધ વસ્તુઓ, ડ્રાયફૂટ, પગરખા, સહિતની ચીજ વસ્તુઓની ખરીદી અર્થે બજારોમાં ઉમટવા લાગતા બજારોમાં દિવાળીની ચમકે દેખા દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંદીથી મૃતપાય થઈ ગયેલી બજારોમાં લાંબા સમય પછી ખરીદી માટે લોકોની ભીડ ઉમટતા બજારોની રોનક ફરી રંગ લાવી રહી છે. રાજકોટ શહેરની વિવિધ બજારો ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, બંગડી બજાર, ઘી-કાંટા રોડ, યાજ્ઞીક રોડ વગેરે વિસ્તારોની બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે. ઘણા લાંબા સમય પછી આવો માહોલ જોવા મળતા દિવાળી સારી જવાની આશા સાથે વેપાર, ઉદ્યોગ, ધંધામાં હાલતો સારો એવો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટની વિવિધ બજારોમાં દિવાળીની ચમકે દેખા દેતા વેપારીઓ, ધંધાર્થીઓ નિરાશા ખંખેરી વેપાર ધંધે વળગ્યા છે. તો બીજી તરફ ઔદ્યોગિક વિસ્તારો શાપર વેરાવળ મેટોડા, હરીપર, પાળ, વગેરે વિસ્તારોમાં નવા ઉત્પાદન માટે કારખાના ધમધમવા લાગ્યા છે. રોજગાર-ધંધાનું ઠપ્પ થઈ ગયેલું ચક્ર તેજીના આ કરંટથી ફરી ફરવા લાગતા નાના મોટા સૌ ધંધાર્થીઓ વેપારીઓ, ઉદ્યોગકારો એમ સૌ કોઈએ નિરાંતનો દમ લીધો છે. દિવાળીના તહેવારો ઉપરાંત તે પછી આવી રહેલી લગ્નની સીઝનની ખરીદી પણ શરૂ થઈ ગઈ હોવાથી બજારોમાં સારી એવી ઘરાકી નીકળી છે. કોરોનાની મહામારી પછી વેપાર-ઉદ્યોગ, ધંધા ક્ષેત્રે સર્જાયેલો મંદીનાં અંધકારમાં દિવાળીના દિવડાએ નવી આશાનો ઉજાસ રેલાવ્યો છે. પરંતુ આઉજાસ કયાં સુધી ટકશે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ હાલ સૌ વેપારીઓ ધંધાર્થીઓ લાંબા સમય પછી ગ્રાહકોની ઉમટતી ભીડ જોઈ ખુશ ખુશાલ જોવા મળીરહ્યા છે.
દિવાળીના તહેવારોમાં કપડા તો નવા જોઈએ જ તેવી માનસિકતાને કારણે કાપડ તેમજ તૈયાર કપડાની સારી એવી ખરીદી થઈ છે. અને હજુ થઈ રહી છે. કપડા સીવડાવવાના શોખીનોને કારણે કપડા સીવતા દરજીઓની દુકાને પણ ભીડ જોવા મળી રહી છે. ઘણા દરજીઓએ તો હવે દિવાળીના કપડા સીવડાવવાનો ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. કપડાની સાથોસાથ નવા રૂમાલ, ગંજી, મોજા, બેલ્ટ, સેન્ટ, મહિલાઓ માટે શૃંગારની વસ્તુઓ, સાડી, બ્લાઉઝ, ચણીયા, ડ્રેસ વગેરેની ખરીદી પણ સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. દિવાળીના મુખવાસ, ડ્રાયફૂટ અને ચોકલેટસની પણ સારી એવી ઘરાકી નીકળી છે. ગૃહ સુશોભન માટેના પ્લાસ્ટીકના ફુલ, તોરણ, પરદા વગેરેની પણ માંગ વધવા લાગી છે. નવા કપડાની સાથે નવ પગરખા ખરીદવાનું ચલણ હોવાથી બુટ, ચંપલ, સેન્ડલ, વગેરે વસ્તુઓ પણ વેચાવા લાગી છે. દિવાળીમાં દિવડા પ્રગટાવવા માટે લોકો દિવાના કોડીયા, તૈયાર દિવડા, મીણબતી, વગેરે પણ ખરીદી રહ્યા છે. નવા બેડશીટસ, ચાદર, તકીયા કવર વગેરે વસ્તુઓની પણ સારી એવી માંગ બજારોમાં જોવા મળી રહી છે. સોની બજારમાં પણ શુષ્કતા દૂર થઈ છે. અને ગ્રાહકો દાગીનાની ખરીદી માટે શો-રૂમમાં આવતા જોવા મળી રહ્યા છે. એકંદરે બધી બજારોમાં ધીમો પણ તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે.
દિવાળીના ફટાકડા ફૂટવા શરૂ થઈ ગયા છે. પણ હજુ ફટાકડાની જોઈએ એવી ખરીદી જોવા મળતી નથી. તે જ રીતે કોરોનાના ડરથી લોકો ફરવા જવાનું ટાળતા હોવાથી ટુર્સ -ટ્રાવેર્લ્સના ધંધામાં પણ હજી મંદીમય વાતાવરણ જોવા મળે છે. ખારી-પીણીના શોખીનો કોરોનાને કારણે સયંમ જાળવતા હોવાથી અગાઉ જેવી ભીડ હવે નથી જોવા મળતી પરંતુ આમ છતા જામેલા જાણીતા ધંધાર્થીઓને પૂરતા ગ્રાહકો મળી રહે તેવા દિવસો ફરી શરૂ થઈ ગયા છે.
કોરોનાના ડરને બાજુએ મૂકી લોકો બજારોમાં ઉમટવા લાગતા શહેરની પરંપરાગત બજારો ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ ઘી-કાંટા રોડ, લાખાજીરાજ રોડ, યાજ્ઞીક રોડ, પેલેસ રોડ, સાંગણવા ચોક, બંગડી બજાર, વગેરે વિસ્તારોની બજારોમાં ફરી રોનક જોવા મળી રહી છે. બજારો ફરી બેઠી થઈ રહી છે. વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે. રંગીલુ રાજકોટ તેની તાસીર મુજબ ધબકવા લાગ્યું છે. કોરોનાની મહામારીથી શુષ્ક થઈ ગયેલા લોક જીવનમાં ઉમંગ ઉલ્લાસના નવા રંગો પૂન: પૂરાવાનું શરૂ થઈ ગયું હોય તેમ બજારો જોતા લાગી રહ્યું છે.