ધો.10ની પરીક્ષા રદ થાય તો ડિપ્લોમા ઈજનેરી બેઠકો ભરાવવા સાથે સત્ર સમયસર શરૂ થઈ શકશે
રાજ્યમાં ધો.10ની પરીક્ષા રદ કરવામાં આવે તો ડિપ્લોમા સહિત પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તેમ છે પરંતુ જો સરકાર દ્વારા પરીક્ષા લેવાનો આગ્રહ રાખવામાં આવે તો ડિપ્લોમાં ઈજનેરી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ એક સત્ર ગુમાવવું પડે તેવી સ્થિતિ ઉભી થવાની દહેશત સંચાલકો વ્યકત કરી રહ્યાં છે. સરકાર દ્વારા હાલમાં પરીક્ષા સ્થગીત કરવામાં આવી છે રદ કરવામાં આવી નથી. આ સ્થિતિમાં આગળ શું થશે તે મુજબ ભારે અનિશ્ર્ચિતતા ભરી સ્થિતિ ઉભી થઈ રહી છે.
કોરોના મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા 10મી મે થી શરૂ થનાર ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગીત કરવાની જાહેરાત કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડે હજુ સુધી ધો.10ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો નથી. ધો.10ની પરીક્ષા મુદ્દે ડિપ્લોમા ઈજનેરી કોલેજના સંચાલકો કહે છે કે, મે માસમાં પરીક્ષાનો આયોજન થઈ શકે તેમ નથી. ધો.10ની પરીક્ષા લેવી હોય તો જૂનમાં લેવી પડે તેમ છે. જૂનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે તો આ પરીક્ષામાં અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત રહેતા હોય તો તેનું પરિણામ જાહેર કરવામાં 1 થી દોઢ માસ જેટલો સમય લાગતો હોય છે. જુલાઈ અથવા તો ઓગસ્ટ અંતમાં અથવા સપ્ટેમ્બરમાં ડિપ્લોમા ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો ડિસેમ્બરમાં આ પરીક્ષા પૂર્ણ થાય આ સ્થિતિમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ એક સેમેસ્ટર ગુમાવવું પડશે. બીજીબાજુ સરકાર દ્વારા જો ધો.10ની પરીક્ષા રદ કરવામાં આવે તો જૂનમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકાય તેમ છે.
સામાન્ય રીતે પરીક્ષા લીધા બાદ પરિણામ જાહેર થાય તેમાં 60 થી 70 ટકા વિદ્યાર્થી પાસ થતાં હોય છે જેની સામે ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ઓછા હોવાથી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતી હોય છે. સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થી પાસ થવાના કારણે 12 લાખ વિદ્યાર્થી પ્રમાણે ગણતરી કરવામાં આવે તો ધો.11ના તમામ વર્ગો અને ડિપ્લોમા ઈજનેરી કોલેજની તમામ બેઠકો પણ ફૂલ થઈ જાય તેમ છે. દર વર્ષે ડિપ્લોમા ઈજનેરીની 35 હજારથી વધુ બેઠકો ખાલી પડે છે તે બેઠકો આસાનીથી ભરાઈ જાય તેમ છે. આમ સરકાર ક્યાં પ્રકારનો નિર્ણય કરે છે તેના પર હાલ બધો આધાર છે.
કોરોનાએ ગુજરાત સરકારની ‘કસોટી’ કરી !
ગુજરાત બોર્ડ ધો.10ની પરીક્ષા રદ કરે કે ન કરે હાલમાં સેન્ટ્રલ બોર્ડ ધો.10ની પરીક્ષા રદ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં કોરોનાએ ફરી પાછો ફૂંફાડો માર્યો હોય હવે મે માં બોર્ડની પરીક્ષા તો લઈ શકાય તેમ જ નથી જ્યારે બીજીબાજુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ પરીક્ષા લેવી જોઈએ તેવો સુર ફેલાયો છે. માત્ર ગુજરાત જ નહીં દેશની તમામ રાજ્યોની ડિપ્લોમાં ઈજનેરી કોલેજો બેઠકો ચાલુ વર્ષે ભરાઈ જાય તેમ છે. ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થી ઓછા હોવાથી ડિપ્લોમા ઈજનેરીમાં ધસારો રહેશે તેવું સંચાલકો માની રહ્યાં છે ત્યારે હવે ગુજરાત બોર્ડની પરીક્ષા લેવા સરકારની આકરી કસોટી થઈ રહી છે. બીજીબાજુ કોરોનાએ પણ ગુજરાત સરકારની કસોટી કરી છે.